આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કડક ટક્કર આપવાનું મન બનાવી લીધું છે.તેથી જ તેમણે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી બનાવ્યા છે. રાઘવ ચઢ્ઢાની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ત્યાં પહેલેથી જ હાજર છે.તે જ સમયે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 25 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે.તે દિવસે બંને નેતાઓ અમદાવાદમાં હશે.
રાઘવ ચઢ્ઢા બાપુના ઘરે જશે
દિવસભર રાજકોટમાં પાર્ટીના કામકાજ બાદ રાઘવ ચઢ્ઢા સાંજે મહાત્મા ગાંધીના બાળપણના નિવાસસ્થાને પણ જવાના છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે પાર્ટીએ યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી વતી રાઘવ ચઢ્ઢાને રાજ્યના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટી યુવા ચહેરાને મેદાનમાં ઉતારી શકે તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી.
રાઘવની એન્ટ્રી બાદ આમ આદમી પાર્ટી ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ યુવાનોમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.રાઘવ ચઢ્ઢા દિલ્હીની મોર્ડન સ્કૂલ બારાખંબા અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસ જેવી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.રાઘવ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે.જેમા ખાસ કરીને આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં તેની તમામ તાકાત લગાવી રહી છે.જે અંતર્ગત ‘આપ’ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતના સહ પ્રભારી બન્યા બાદ સૌપ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા.અહીં તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી-પંજાબની જેમ ગુજરાતનાં લોકો પણ બદલાવ ઈચ્છે છે, ‘આપ’ની જીત નિશ્ચિત છે.આજે બપોરે ચઢ્ઢા એક પત્રકાર પરિષદ સંબોધવા જઈ રહ્યા છે.જેમાં પણ તેઓ કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે.
રાઘવ ચઢ્ઢાનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં ‘આપ’નાં આગમન બાદ હવે મતદારોમાં બદલાવની લહેર જોવા મળી છે.કોંગ્રેસ 27 વર્ષમાં ભાજપને હરાવી શકી નથી ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી AAP અને ભાજપ વચ્ચેની જ જંગ છે.કોંગ્રેસ હવે આ રેસમાંથી બહાર છે. દિલ્હી અને પંજાબમાં લોકોએ કોંગ્રેસ અને અકાલીદળના શાસનને ઉખાડીને ફેંકી દીધું અને આઇ લવ યુ કેજરીવાલ કહ્યું.એ જ પ્રમાણે હવે ગુજરાતની જનતા પણ બદલાવ ઈચ્છે છે.ભાજપના 27 વર્ષના શાસનથી લોકો કંટાળી ગયા છે.તેમજ ગુજરાતને પણ દિલ્હી મોડલની જેમ આગળ વધારવા લોકો આતુર હોય આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત છે.અહીંના લોકોને પણ મફત વીજળી સાથે સારું શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય સેવાઓ મળશે.
ઉપરાંત તાજેતરમાં સોમનાથ બેઠકનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર જગમાલ વાળાનાં વિવાદીત વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, હાલ ભાજપ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી.એટલે ભારતીય જનતા પાર્ટી AAPથી ડરી ગઈ છે.આ ડરના કારણે જ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં દરોડા પડે છે.મનોજ સોરઠીયા જેવા કાર્યકર્તાઓ ઉપર હુમલો થાય છે.અને ‘આપ’ કાર્યકરના વીડિયોમાં ચેડા કરીને તેને વાયરલ કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, વાયરલ વિડીયોમાં જગમાલ વાળાએ જાહેર સભામાં કીધું કે, હાલ માત્ર ગુજરાતમાં લોકો દારૂ નથી પીતા, આપણે દારૂ પીવો જોઈએ.
જાણો કોણ છે રાઘવ ચઢ્ઢા
રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત માટે એક મહત્વપૂર્ણ સૂત્રધાર અને સહ પ્રભારીની ભૂમિકામાં રહ્યા છે.ચઢ્ઢા દિલ્હી અને પંજાબમાં મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કરી ચુક્યા છે.અને રાઘવ ચઢ્ઢાને એક કુશળ રાજકારણી અને સંચાલક માનવામાં આવે છે.રાઘવ ચઢ્ઢાના કહેવાથી જ ભગવંત માનને પંજાબમાં મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને પરિણામ એ આવ્યું કે પંજાબમાં આપની ઐતિહાસિક જીત થઈ અને AAP એ 117 માંથી 92 બેઠકો પર જીત મેળવી હતી.ત્યારે હવે તેમને ગુજરાતના સહપ્રભારી બનાવી આપ’ દ્વારા ગુજરાતને સર કરવા પ્રયાસો શરૂ કરાયા છે.જેમાં કેટલી સફળતા મળશે તે તો અવનારો સમય બતાવશે.


