અમદાવાદ,તા.14 ઓક્ટોબર 2022,શુક્રવાર : ભારતમાં મોંઘવારી દરના આંકડામાં આ મહિને વિરોધાભાસી વલણ જોવા મળી રહ્યું છે.બે દિવસ અગાઉ આવેલ ગ્રાહક સ્તરનો મોંઘવારી દર 5 મહિનાની ટોચે પહોંચતા ફરી સરકાર અને આરબીઆઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.વ્યાજદર વધારાનું શસ્ત્ર ઉગામ્યા છતા સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા અને ભારત જેવા સૌથી ઝડપી ગતિએ વધી રહેલ અર્થતંત્રોમાં મોંઘવારી કાબૂમાં નથી આવી રહી તેવા અવલોકનોને પગલે વિશ્વજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ પરંતુ આજે આવેલ ભારતના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા રાહત આપનારા છે.
ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) સપ્ટેમ્બરમાં 10.7 ટકાના સ્તરે પહોંચ્યો છે,જે 18 મહિનાની સૌથી નીચી સપાટી છે.વાણિજ્ય મંત્રાલયે 14 ઓક્ટોબરે જાહેર કરેલ આંકડા અનુસાર ઓગસ્ટમાં WPI ફુગાવો 12.41 ટકા હતો.સપ્ટેમ્બર 2021માં જથ્થાબંધ મોંઘવારી દર 11.80 ટકા હતો.અત્રે ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં સતત ચોથા મહિને ઘટ્યો હતો, પરંતુ છેલ્લા દોઢ વર્ષથી તે 10 ટકાની ઉપર છે.
સપ્ટેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો અગાઉના મહિનાના 12.37 ટકાની સરખામણીમાં ઘટીને 11.03 ટકા થયો હતો.મેન્યુફેક્ચરિંગ ગુડ્સ સેગમેન્ટમાં 6.34 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.સૌથી મહત્વના પ્રાઈમરી આર્ટિકલ્સના ફુગાવામાં 11.73 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.ઇંધણ અને પાવર સેગમેન્ટનો WPI આંકડો ઓગસ્ટના 33.67 ટકાની સામે 32.61 ટકા પર રહ્યો છે.તાજેતરમાં સપ્ટેમ્બર મહિના માટે રિટેલ ફુગાવો વધીને 7.4 ટકા થઈ ગયો છે જે RBIના નિધારિત 2-6 ટકાની ઉપલી મર્યાદા કરતા સતત નવમા મહિને વધુ છે.
“સપ્ટેમ્બર, 2022માં ફુગાવો મુખ્યત્વે ખનિજ તેલ,ખાદ્ય ચીજવસ્તુઓ,ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ,કેમિકલ અને કેમિકલ પ્રોડ્કટો,બેઝિક મેટલ્સ,ઈલેક્ટ્રિસિટી,કાપડ વગેરેના ભાવમાં અગાઉના વર્ષના સમાન મહિનાની સરખામણીએ ઘટાડો થવાથી WPI કાબૂમાં જોવા મળ્યો છે”, તેમ એક નિવેદનમાં જણાવાયું છે.


