– રીવર ફ્રન્ટ ખાતે યોજાનાર પ્રદર્શન નિહાળવા સામાન્ય નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ
– મુલાકાતીઓએ પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે
એશિયાનું સૌથી મોટું અને ભારતનું મહત્વપૂર્ણ ડિફેન્સ એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 1300થી વધુ પદર્શનકર્તાઓ સાથે 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિફેન્સ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે.જેમાં આશરે 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહિત 75થી વધુ દેશો ભાગ લેશે.એક્ઝિબિશનની સાથે ભારત-આફ્રિકા વચ્ચે સંરક્ષણ અંગે સંવાદ અને હિંદ મહાસાગર ક્ષેત્રના સંરક્ષણ મંત્રીઓનું સંમેલન પણ યોજાશે.
કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજાનાર DefExpo ૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ ખાતે તા. 18 થી 22 ઓક્ટોબર 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્સપો અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટના પૂર્વ કાંઠે જાહેર જનતા માટે પ્રદર્શન જોવા જરૂરી સૂચનાઓ જાહેર કરાઈ છે.આ મેગા સંરક્ષણ અંગેના પ્રદર્શનમાં જમીન,હવાઈ,નૌકા અને માતૃભૂમિની સુરક્ષા પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ સેમિનારમાં સંરક્ષણક્ષેત્રે વ્યાપકપણે નિકાસ,ફાઇનાન્સિંગ,ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ,એરોસ્પેસ ઉત્પાદન અને MROમાં MSMEની ઉભરતી ભૂમિકા,સંરક્ષણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આત્મનિર્ભરતા,હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત ટેકનોલોજી જેવા વિવિધ વિષયો આવરી લેવામાં આવશે.સેમિનારમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નિષ્ણાતો વિવિધ વિષયો પર ચર્ચા વિમર્શ કરશે.ગાંધીનગર ખાતે આયોજિત આ સેમિનારની વિગતો DefExpo22 વેબસાઇટ અને મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ છે.આ સેમિનાર મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો,થિંક ટેન્ક,ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ,સર્વિસ હેડક્વાર્ટર (SHQs), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ગુણવત્તા ખાતરીના મહાનિર્દેશાલય (DGQA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય મંત્રાલય તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવશે.જેમાં વક્તાઓ તેમજ શ્રોતાઓ વર્ચ્યુઅલી ભાગ લઇ શકશે.આ ઇવેન્ટ વિશ્વભરમાં સ્ટ્રીમ પણ કરવામાં આવશે.


આ કાર્યક્રમનો લાહવો લેવા માટે ઈ-ટિકિટ લેવી ફરજીયાત છે.જેના વિશે વાત કરીએ તો, Def-Expo 2022ના વિવિધ કાર્યક્રમનો લ્હાવો લેવા મુલાકાતીઓને ઈ-ટિકિટ દ્વારા એન્ટ્રી આપવામાં આવશે સાથે જ ઇ-ટિકિટમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર જ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.આ ઇ-ટીકીટ eventreg.in/registration/visitor વેબસાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ થશે.મુલાકાતીઓએ પ્રદર્શન સ્થળના પ્રવેશ દ્વાર પર પ્રવેશ કરતા પહેલા QR કોડ/બાર કોડ સ્કેન કરવાનો રહેશે અને સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ દા.ત. આધાર કાર્ડ/ડ્રાઈવિંગ લાયસન્સ/મતદાર આઈડી/પાન કાર્ડ વગેરે રજૂ કરવાના રહેશે.પ્રદર્શન દરમિયાન કોવિડના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.જેમાં મુલાકાતીઓને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પ્રદર્શન સ્થળે મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.
પ્રદર્શન સ્થળ પર પીવાના પાણી,શૌચાલય,મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ,હેલ્પ ડેસ્ક,વગેરે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.મુલાકાતીઓ કોઈપણ ખાદ્યપદાર્થો/હેન્ડ બેગ, છૂટક વસ્તુ જેવી કે કાગળ,પ્લાસ્ટિક,પોલીબેગ વગેરે લઇ જઇ શકશે નહીં.પ્રદર્શનની મુલાકાતે વાહન લઈને આવતા મુલાકાતીઓને નિર્ધારિત પાર્કિંગ સાઈટ પર જ પોતાના જોખમે વાહન પાર્ક કરવાના રહેશે.પાર્કિંગની સુવિધા મર્યાદિત હોવાથી મુલાકાતીઓને આવવા-જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. પ્રદર્શન સ્થળે ધૂમ્રપાન,તમાકુ ઉત્પાદનો અને દારૂ સખત પ્રતિબંધિત છે.મુલાકાતીઓને સ્વચ્છતા,શાંતિ અને સામાજિક વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા કર્મચારીઓને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.


