સુરત : સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઘરફોડ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા ખંભાતના રીઢા ચોર રજ્જાકશા હુશેનશા દીવાનને ઝડપી પાડ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની મોડસ ઓપરેન્ડી ફોરવ્હીલ વાહન ચોરી કરી ચોરીના વાહનમાં રાત્રીના સમયે તેના સાગરીતો સાથે ચોરી કરવાની ટેવ વાળો છે.
ગત 21-03-2022ના રોજ તેના સાગરીતો જગદીશ ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો રાઠોડ અને ઝુબેરશા દિવાન સાથે હાલોલ ટાઉન પોલીસ મથકની હદ વિસ્તારમાંથી એક ઇકો કારની ચોરી કરી હતી અને તે ચોરી કરેલી ઇકો કારમાં 23-3-2022ના રોજ રાત્રીના સુમારે ઘરફોડ ચોરી કરવા માટે નીકળ્યા હતા અને ખેડા મહેમદાવાદ પોલીસ મથકની હદમાં આવેલી એક કરીયાણાની દુકાન તોડી ઘી,તેલના ડબ્બા અને રોકડ રૂપિયાની ચોરી કરી હતી.તે બાદ બીજી જગ્યાએ ચોરી કરવા જતા હતા.તે દરમિયાન મહેમદાવાદ રોડ ઉપર પોલીસ ચેકિંગ ચાલુ હોય પોલીસે વાહન રોકવા ઈશારો કર્યો હતો તેમ છતાં ગાડી ઉભી નહિ રાખી સ્પીડમાં ભગાવતા પોલીસે પીછો કર્યો હતો અને તેઓ આગળ રોડ ઉપર ગાડી ઉભી રાખી ત્રણેય જણા કારમાંથી ઉતરી ભાગ્યા હતા.જેમાં એક સાગરિત ઝુબેરશાને પોલીસે ઝડપી પાડ્યો હતો.જ્યારે હાલમાં ઝડપાયેલો આરોપી ભાગવામાં સફળ થયો હતો.જો કે આખરે સુરત ક્રાઈમ બ્રાંચે તેને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.