વિધાનસભા ચૂંટાયેલા સભ્યની શપથ વિધિ યોજાઈ હતી.આ શપથ વિધિમાં 182 સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.તમામ ધારાસભ્યએ પોતાની આગવી શૈલીમાં ધારાસભ્યના શપથ ગ્રહણ કર્યા હતા.આવતી કાલે વિધાનસભા સત્ર મળશે.જેમાં પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની અને ઉપાઘ્યક્ષ ચૂંટણી યોજાશે,જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ સંબોધન કરશે.આ ઉપરાંત રાજ્ય બીજી ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો વિધયક 2022 પસાર કરવામાં આવશે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી.
રામ અને બંધારણના સોંગધ ખાઈને શપથ લેવાયા
કાલોલ સીટના ચૂંટાયેલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા.તમામ સભ્યોએ ઈશ્વરના સોંગધ લઈને શપથ લીધા હતા.જો કે ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગધ લીધા હતા.આમ વિધાનસભામાં ફરી રામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો જે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.વડગામ સીટ પરથી વિજેતા બનનાર જીગેશ મેવાણીએ બંધારણના સોંગધ ખાઈને શપથ લીધા હતા.
11 ધારાસભ્યએ સંસ્કૃતમાં શપથ લીધા
વિધાનસભામાં 11 એવા ધારાસભ્ય હતા જેમને સંસ્કૃતમાં શપથ લીધા હતા.જેમાં 9 પુરુષ સભ્યોએ ધારાસભ્યના શપથ લીધા અને 2 મહિલા સભ્યોએ સંસ્કૃતમાં ધારાસભ્યના શપથ લીધા હતા. 10 એવા ધારાસભ્ય હતા જેમને ગુજરાતીના સ્થાને સંસ્કૃતમાં શપથ લેવાનું યોગ્ય માન્યું હતું.દર્શીતા શાહ,દર્શન દેશમુખ,અનિરુદ્ધ દવે,અનિકેત ઠાકર,કિરીટ પટેલ,અમિત ઠાકર,દીનેશ કુશવાહ,અર્જુન મોઢવાડીયા,પદ્યુમન વાજા,શમભુનાથ તુડિયા કનેયાલાલ કિશોરીએ સંસ્કૃતમાં શપથ લીધા હતા.
ધારાસભ્ય પુર્ણેશ મોદી હિન્દીમાં શપથ લીધા
પુર્ણેશ મોદીએ વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ ગુજરાતીના સ્થાને હિન્દીમાં શપથ લીધા હતાં.આમ પણ પુરનેશ મોદી હિંદીને વધુ પ્રાધાન્ય આપે છે.અગાઉ વિધાનસભામાં પુર્ણેશ મોદીએ અનેક વાર હિન્દીમાં નિવેદનો કર્યા છે.પુર્ણેશ મોદીએ વિધાનસભામાં પોતાની વાતને હિન્દીમાં રજૂ કરી હતી.આજે શપથ વિધિમાં પણ હિંદીને મહત્વ આપીને હિન્દીમાં શપથ લેવાનું પસંદ કર્યું હતું.
182 ધારાસભ્યએ શપથ લીધા હતા.
વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યએ શપથ લીધા હતા.જ્યારે કોંગ્રેસના 17 ધારાસભ્યએ શપથ લીધા હતા.આમ આદમી પાર્ટીના 5 અને અપક્ષ 3 ધારાસભ્યએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા.પ્રોટમ સ્પીકર યોગેશ પટેલે તમામ ધારાસભ્યને શપથ લેવડાવ્યા હતા.