– તુનિશાના સુસાઇડ પછી કઈ યુવતી સાથે બે કલાક વાત કરી હતી શીઝાન ખાને? પોલીસે કોર્ટમાં શીઝાનની વધુ કસ્ટડી માગી,જેનો શીઝાનના વકીલે વિરોધ કર્યો
મુંબઈ : વાલિવ પોલીસે ટીવી-ઍક્ટર શીઝાન ખાનનો મોબાઇલ જપ્ત કર્યો છે.એમાંથી એવું જાણવા મળ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડ તુનિશા શર્માના મૃત્યુ બાદ તેણે પોતાની એક મહિલા-મિત્ર સાથે બે કલાક વાત કરી હતી.પોલીસને ખબર પડી કે તેણે બાદમાં આ મહિલા-મિત્ર સાથેની ચૅટ ડિલીટ કરી દીધી હતી.પોલીસે તુનિશાએ સેટ પર આત્મહત્યા કરતાં પહેલાં લખેલો પત્ર પણ જપ્ત કર્યો હતો.આ પત્રમાં તેણે લખ્યું હતું કે ‘શીઝાન, હું તારી કો-સ્ટાર હતી એ જાણીને તું ધન્યતા અનુભવતો હતો.’
ગઈકાલે તેને વસઈ કિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.પોલીસે તુનિશાની આત્મહત્યાનું કારણ જાણવા માટે પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.જોકે કોર્ટે માત્ર બે દિવસ સુધીની કસ્ટડી આપી હતી.પોલીસને એવી શંકા છે કે શીઝાનના અન્ય કોઈ યુવતી સાથે સંબંધ હતા,જેને કારણે તેણે તુનિશા સાથેના સંબંધ તોડી નાખ્યા હતા.તુનિશાએ શનિવારે વસઈમાં આવેલા સ્ટુડિયોના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે શીઝાન ખાન અને તુનિશા વચ્ચે સિરિયલમાં સાથે કામ કરવાનું શરૂ કર્યા બાદ સંબંધો બંધાયા હતા.તુનિશા બહુ ખુશ હતી,પરંતુ ૧૫ દિવસ પહેલાં શીઝાને સંબંધ તોડી નાખતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.તુનિશાના મોબાઇલમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી.તુનિશાનો ફોન પણ ખરાબ હાલતમાં મળ્યો હતો.આત્મહત્યા કરતાં પહેલાં તુનિશાએ જાતે જ એને તોડ્યો હોય એવું બની શકે છે.આરોપીના વકીલ શરદ રાયે શીઝાનને નિર્દોષ ગણાવ્યો હતો તેમ જ પોલીસ ખોટા આરોપ મૂકીને તેના ચારિત્ર્યનું હનન કરી રહી હોવાનું જણાવ્યું હતું.
પોલીસને કેમ લાંબી કસ્ટડી માગી હતી?
૧. શીઝાન અને તુનિશા વચ્ચે પ્રેમસંબંધ હતો.વળી તેણે સ્ટુડિયોમાં જ આત્મહત્યા કરી હતી.પોલીસ આત્મહત્યાનું ખરું કારણ જાણવા માગે છે.
૨. પોલીસને શીઝાન અને તુનિશા વચ્ચેની ચૅટ તેમ જ બન્નેની તમેની મમ્મીઓ સાથેની ચૅટ પણ મળી છે જે પણ શંકાસ્પદ લાગે છે.
૩. આત્મહત્યા પહેલાં શીઝાન અને તુનિશા એકબીજા સાથે સ્ટુડિયોમાં બોલ્યાં હતાં.પોલીસે આ વિશે શીઝાનને પૂછ્યું હતું,પણ તેણે યોગ્ય જવાબ આપ્યા નહોતા.
૪. પોલીસે ઘણી વખત શીઝાન સાથે વાતચીત કરી હતી,પરંતુ એના જવાબ યોગ્ય નહોતા તેમ જ ઘણી વખત તે સહકાર આપતો નહોતો.
૫. પોલીસને શીઝાનના મોબાઇલમાં અન્ય એક મહિલા સાથેની ચૅટ મળી આવી બાદ તેણે તમામ ચૅટ ડિલીટ કરી તેથી પોલીસની શંકા વધુ દૃઢ બની છે.
૬. તુનિશાની મમ્મીએ એવો આરોપ મૂક્યો છે કે શીઝાનના ઘણી યુવતીઓ સાથે સંબંધ હતા જેની તપાસ થવી જોઈએ.

