સુરત, 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર : સુરતના ગોડાદરા વિસ્તારમાં લૂટનો બનાવ સામે આવ્યો છે.જમીન દલાલની ઓફિસમાં માથાભારે ઈસમ તેના સાગરિત સાથે ઘુસી જમીન દલાલના ભાઈને પિસ્તલ બતાવી સોનાની ચેઈન મળી કુલ 80 હજારની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો.બીજી તરફ આ સમગ્ર મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા ગુડ્ડુ યાદવ ગોડાદરા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ માર્કેટમાં ઓફિસ ધરાવે છે.ગતરોજ ગુડ્ડુ યાદવ ઓફીસ પર હાજર ન હતો ત્યારે તેની ઓફિસમાં તેનો ભાઈ સરજુ પ્રસાદ યાદવ અને ઓફિસમાં કામ કરતો વ્યક્તિ જગન્નાથ હાજર હતા.દરમિયાન બપોરના અઢી વાગ્યાના અરસામાં રાહુલ રામપ્રસાદ યાદવ અને તેનો સાગરિત ઓફિસમાં ઘુસી આવ્યા હતા.રિવોલ્વર જેવું હથીયાર કાઢી સરજુ યાદવના માથે મૂકી ધમકીઓ આપી હતી.તેને લેવાના 8 લાખ રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું.આ દરમિયાન તેણે અજીતનો મોબાઇલ લઈ ગાળો આપી ગુડ્ડુને કોલ કરી ધમકી આપી કે,‘ તું અભી 8 લાખ રૂપિયા લેકે આજા મે તેરી ઓફિસ પર ખડા હું. આથી ગુડ્ડુએ કહ્યું કે મે ઓફિસ પર આ રહા હું, તુ વહા રૂક,’
આ ઘટના બાદ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઓફિસમાં હાજર ગુડ્ડુના ભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને ગુડ્ડુના ભાઈના ગળામાંથી સોનાની ચેઈન તેમજ ઓફીસમાં રહેલા 50 હજારની લૂંટ કરી હતી.એટલું જ નહી ધાક ધમકીઓ આપી જતી વખતે ઓફીસનો કાચનો દરવાજો તોડી બુમ બરડા પાડી નીકળી ગયો હતો.આ સમગ્ર મામલે બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસે ખંડણી,લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.અને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.બીજી તરફ આ ઘટનાનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.