સુરત, 1 માર્ચ 2023 બુધવાર : સુરતના પાલ વિસ્તારમાં 9માં માળેથી પટકાતા એક 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.મૃતક યુવકની પત્ની ગર્ભવતી છે અને 5 દિવસ બાદ જ તેણીની પહેલી ડીલવરી હોવાનું જાણવા મળ્યું હતું.યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકા થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના પાલ વિસ્તારમાં રહેતો 30 વર્ષીય મુસફિક આલમ પાલ વિસ્તારમાં આવેલી યુનિવર્સલ બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો.તે વેળાએ તે અકસ્માતે 9માં માળેથી નીચે પટકાયો હતો. 9માં માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી.બીજી તરફ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવક મૂળ બિહારનો વતની હતો અને સુરતમાં તે ફ્રેબીક્સનું કામ કરતો હતો. 1 વર્ષ અગાઉ જ તેના લગ્ન થયા હતા તેની પત્ની હાલ ગર્ભવતી છે. 5 દિવસ બાદ જ તેણીને પ્રથમ ડીલવરી હોવાનું જાણવા મળ્યું છે. અચાનક જ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.દીકરાનું મોઢું જુએ તે પહેલા જ પિતાનું મોત થયું હોવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે.આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

