– સ્પેશિયલ સેલ ટીમની FBIએ કરી હતી મદદ, દીપક પર ત્રણ લાખનું ઇનામ હતું
– બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો દીપક બોક્સર
નવી દિલ્હી, તા. 4 એપ્રિલ 2023, મંગળવાર : દિલ્હી પોલીસે એક પ્રશંસનીય કાર્ય કરી બતાવ્યું છે.દેશમાંથી ફરાર ટોપ ગેંગસ્ટર દીપક બોક્સરની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે FBIની મદદથી મેક્સિકોમાં ધરપકડ કરી હતી.દિલ્હી પોલીસે પહેલીવાર ભારતની બહાર કોઈ ગેંગસ્ટરની ધરપકડ કરી છે.બોક્સરને એક-બે દિવસમાં ભારત લાવવામાં આવી શકે છે.બોક્સર સિવિલ લાઈન્સ વિસ્તારમાં બિલ્ડરની હત્યામાં વોન્ટેડ હતો.
બિલ્ડરની હત્યાના કેસમાં વોન્ટેડ હતો દીપક બોક્સર
બિલ્ડર અમિત ગુપ્તાની હત્યાના કેસમાં દીપક સિવિલ લાઇન્સમાં વોન્ટેડ હતો.રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ દિલ્હી-એનસીઆરનો ટોપ ગેંગસ્ટર દીપક બોક્સર ગોગી ગેંગને ચલાવી રહ્યો હતો.તેણે મુરાદાબાદથી રવિ એન્ટિલના નામે નકલી પાસપોર્ટ મેળવ્યો અને 29 જાન્યુઆરી 2023ના રોજ કોલકાતાથી મેક્સિકો ભાગી ગયો હતો.
દીપક પર ત્રણ લાખનું ઇનામ છે
વર્ષ 2016માં બહાદુરગઢમાં ગોગીને દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી છોડાવ્યા બાદ દીપક ચર્ચામાં આવ્યો હતો.વર્ષ 2018માં તેની ગેંગ સામે મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી,ત્યારથી તે ફરાર હતો.આ દરમિયાન તેણે ગુનાઓ આચરવાનું ચાલુ રાખ્યું હતું.આ દરમિયાન બે હત્યા અને પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલામાં વોન્ટેડ હતો.માર્ચ 2021માં કુલદીપ ઉર્ફે ફજ્જાને જીટીબી હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર કરવા બદલ તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.દીપક ગન્નૌરનો રહેવાસી છે અને તેના પર 3 લાખનું ઈનામ છે.

