– બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના સભ્યોની ભાળ મળે તો ક્રાઈમ બ્રાંચને જાણ કરવા જાહેર અનુરોધ : આરોપીઓની બાતમી આપનારને યોગ્ય પુરસ્કાર અપાશે
– મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બંટી જૈને પોતાના સાગરિતો સાથે મળી રૂ. 3.66 કરોડની છેતરપિંડી આચરી છે
સુરત, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર : સુરત શહેરમાં ખોટા નામો ધારણ કરીને અલગ-અલગ મિલકતોના ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકીના સભ્યોની ભાળ મળે તો ક્રાઈમ બ્રાંચને જાણ કરવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.આરોપીઓની બાતમી આપનારને શહેર પોલીસ દ્વારા યોગ્ય પુરસ્કાર અપાશે.
ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સપ્ટેમ્બર-2019 થી 25 ડિસેમ્બર-2021 દરમ્યાન આરોપી ઉપવન ઉર્ફે બંટી જૈનએ ફરિયાદી ગ્યાનચંદ બજરંગલાલ જૈન સાથે સંપર્ક કરી વિશ્વાસમાં લઈ પોતાના મળતીયા સાગરિતો સાથે કાવતરૂ રચ્યું હતું અને સાગરિતો(સાહેદો)ના ખોટા નામો ધારણ કરાવી તેમના નામે એક શોપ અને ત્રણ ફ્લેટના કુલ 8 બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા, જે મિલકતોના અવેજ પેટે ગ્યાનચંદ પાસેથી રૂ. 3,66,73,000 પડાવી લીધા હતા.બાદમાં ગ્યાનચંદ જૈનને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે બંટી જૈન અને ૯ મળતિયાઓ સામે તા.29/3/2023 ના રોજ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મિલકતોના બોગસ વેચાણકર્તા બનેલ આ ટોળકીમાં (૧) ઉપવન ઉર્ફે બંટી પવન જૈન(ફલેટ નં.સી-૧૨૦૨, કિંગસ્ટોન એપાર્ટમેન્ટ,ગ્રીનસીટીની સામે,પાલ ભાઠા રોડ,સુરત, મૂળ રહે.-૧૬૧,હિરન મગરી સેક્ટર-૪, ઉદયપુર, રાજસ્થાન (૨) આરિફ ગુલશેરખાન પઠાણ (ઘર નં.૪૧/બી/૯૧૬૭૬, ગાંધીનગર, ઉમરવાડા, સલાબતપૂરા, સુરત (૩) નરેશ કેશવભાઈ વાઢેળ (ઘર નં.૯, બિલ્ડીંગ નં.૯, એસ.એમ. સી.ક્વાટર્સ, સૌરભ પોલીસ ચોકી પાસે, અડાજણ (૪) હરિલાલ સમજુભાઈ ગોંડલિયા (૫) ઠાકરશીભાઈ પ્રેમજીભાઈ લાઠીદડિયા (૬) ભારતીબેન ઠાકરશીભાઈ લાઠીદડિયા (૭) હસમુખરાય રતિલાલ શાહ (૮) જયેશભાઈ હસમુખરાય શાહ (૯) નિહાલચંદ સોહનલાલ જૈન નામના આ આરોપીઓએ ખોટી ઓળખ આપી, બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ બનાવી તે ખોટા હોવા છતાં તેમને સાચા પૂરાવા તરીકે રજુ કરી, મુળ દસ્તાવેજ માલિકોની ખોટી સહીઓ કરી બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવ્યા હતા અને આ ખોટા પુરાવાથી બેંક ખાતા પણ ખોલાવ્યા હતા. ખોટી ઓળખ આપનાર ક્રમ નં. ૪ થી ૯ સુધી દર્શાવેલા નામોથી ઓળખ આપનાર આરોપીઓના નામ-ઠામ મળી આવ્યા નથી.
આ શખ્સોએ એકબીજાના મેળાપીપણામાં જે ચાર મિલકતોના બનાવતી દસ્તાવેજો બનાવ્યા છે તેમાં (૧) ઓફિસ નં.એસ/૬, વી.આઈ.પી. પ્લાઝા (ર) ફ્લેટ નં.એ/૧૦, દસમો માળ, રિવર પેલેસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ (૩) ફ્લેટ નં.બી/૫૦૨, ધિ લેજન્ટ બિલ્ડીંગ પ્રાઈમ શોપર્સ, રિ-બાઉસની પાછળ, નર્મદ યુનિવર્સિટી રોડ, સુરત (૪) ફલેટ નં.૩/સી, કેસલ બ્રાઉન, ઉધના મગદલ્લા રોડ, સુરતનો સમાવેશ થાય છે.બનાવતી આ દસ્તાવેજ બનાવીને ફરિયાદીને આપવામાં આવ્યા હતા,તેમાં સાહેદો તરીકે ફોટા અને સહીઓ સાથે ઉલ્લેખ છે તેમાં ૧) હરિલાલ સમજુભાઈ ગોંડલિયા (૨) હસમુખરાય રતિલાલ શાહ (૩) નિહાલચંદ સોહનલાલ જૈન (૪) ભારતીબેન ઠાકરશીભાઈ લાઠીદડિયા (૫) ઠાકરશીભાઈ પ્રેમજીભાઈ લાઠીદડિયા (૬) જયેશભાઈ હસમુખરાય શાહ (૭) રાકેશભાઈ નાગજીભાઈ ધોળકિયા (૮) અંકિત સુશીલ પોદ્દાર અને (૯) અંકિત શંકરલાલ શાહ સામેલ છે.
ઉપરોક્ત નામો ધારણ કરનાર શખ્સોના ફોટા દસ્તાવેજોમાં ચોંટાડેલા છે.પ્રાથમિક પોલીસ તપાસમાં તેમની ભાળ મળી શકી નથી.જેથી આ શખ્સો વિષે કોઈ ભાળ મળે તો તેની માહિતી આઈ.ડી.દેસાઈ,પી.એસ.આઈ,આર્થિક ગુન્હા નિવારણ શાખા,ક્રાઈમ બ્રાંચ-સુરતને રૂબરૂ અથવા મો.નં. ૯૯૨૪૭૭૮૫૯૬ ઉપર સંપર્ક કરીને આપી શકાશે.બાતમી આપનારને યોગ્ય પુરસ્કાર આપવા સાથે તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

