રાજકોટ શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક શહેર યુવા ભાજપના મંત્રી લખેલી નેમપ્લેટ વાળી કારમાંથી ઉતરી કરણ સોરઠીયા નામના યુવાને પાનના ધંધાર્થી ઉપર નશાની હાલતમાં આવી ફાયરિંગ કરી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી જે મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પાર્ટીનો બચાવ કરી તેમની નવી નિમણુંક બાદ બધી જ કમિટી નવી બનતી હોય છે.માટે કરણ કોઈ હોદા પર ન હોવાનું કહ્યું હતુ અને જવાબદારી પરથી છટકી શિસ્ત કમિટી ઉપર ટોપલો ઢોળી દીધો હતો.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બાબતે સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારી નવા પ્રમુખ તરીકે નિમણુંક થયા બાદ બધી જ કમિટી બદલાય જતી હોય છે.નવા જ હોદેદારોની નિમણુંક થતી હોય છે.કરણ સોરઠીયા કોઈ હોદા પર નથી તેમના પિતા અને માતા પૂર્વ કોર્પોરેટર છે એ વાત અમારા ધ્યાને આવી છે અને ફરિયાદ નોંધાતા પોલીસ કાયદાની રીતે કામ કરે છે.પાર્ટી દ્વારા આગળ શિસ્ત સમિતિને જાણ કરવામાં આવશે અને તે પછી શિસ્ત સમિતિ તેમની સામે જે કોઈ પગલાં લેવા તે લઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રિના સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર. પાટીલ રાજકોટ શહેરમાં હતા.તે દરમિયાન શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય પાસે શહેર યુવા ભાજપના મંત્રી અને પૂર્વ કોર્પોરેટરના પુત્ર કરણ રાજુભાઈ સોરઠિયાએ બે રાઉન્ડ હવામાં ફાયર કરતા દોડધામ મચી જવા પામી હતી.જેને લઇ ભક્તિનગર પોલીસે આરોપી કરણ સોરઠિયા સામે આઇપીસી કલમ 307, 504 તથા આર્મ્સ એક્ટની કલમ 25(1-બી), 27 મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.