ડ્રગ્સની હેરાફેરી કરતાં ફેકટરીના માલિકને બચાવનાર નેતાજી કોણ ?

89

ગાંધીનગર : રાજયના એક જિલ્લામાં દવા બનાવતી ફેકટરીના માલિક રાતોરાત કરોડપતિ થઈ જવાની લાલચમાં ડ્રગ્સની હેરફેરી કરવા લાગ્યા હતાં.જો કે, તાજેતરમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ તેમને એક દિગ્ગજ નેતાઓ બચાવી લીધા હતા.

ગાંધીનગરમાં સચિવાલયના ગલિયારાઓમાં ચાલતી ચર્ચા મુજબ, રાજયના એક જિલ્લાની જીઆઈડીસીમાં દવા બનાવતી ફેકટરી પર તાજેતરમાં એક પોલીસ કોન્સેટબલે બાતમીના આધારે તપાસ હાથ ધરતાં ફેકટરીમાંથી ૪થી ૫ કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.જેના પગલે પોતાના પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને કહીને ગુનો દાખલ કરવા કાર્યવાહી ચાલુ કરી હતી.જો કે ફેકટરીના માલિકે કોન્સ્ટેબલ તથા ઇન્સ્પેક્ટર પર ગુનો દાખલ નહીં કરવા દબાણ કર્યુ હતું.તે પછી સમગ્ર મામલો દોઢ કરોડમાં પત્યો હતો. પોલીસે આ મામલામાં કોઈ ગુનો દાખલ કર્યો ન હતો.જો કે પાછળથી ડ્રગ્સનો માલ સગેવગે કર્યા બાદ ફેકટરીના માલિકે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને એક નેતાનો સંપર્ક કર્યો હતો.

આ નેતાજીની મદદ વડે રાજકીય દબાણ લાવીને પહેલા તો પોલીસ કોન્સેટબલ પાસેથી અગાઉ ગુનો દાખલ નહીં કરવાના જે દોઢ કરોડ ચૂકવ્યા હતા,તે પણ કોન્સ્ટેબલ પાસેથી કઢાવી લીધા હતા એટલું જ નહીં નેતાજીની રાજકીય વગનો ઉપયોગ કરીને આ સંબંધિત પોલીસ કોન્સેટબની જિલ્લા બહાર બદલી પણ કરાવી દીધી હતી.હવે આ પોલીસ કોન્સ્ટેબલ કદાચ પસ્તાઈ રહ્યાં છે કે મે સિનિયર અધિકારીને કહીને ગુનો દાખલ કરાવી દીધો હોત તો સારૂ હતું.આ તો દોઢ કરોડ પણ ગયા અને રાજકીય દબાણના કારણે જિલ્લા બહાર બદલી પણ થઈ ગઈ…! જો ફેકટરીમાં ડ્રગ્સનો મોટો જથ્થો નહોતો,તો પછી ફેકટરીના માલિકે પોલીસ કોન્સ્ટેબલને દોઢ કરોડ આપ્યા શું કામ?

પોલીસે ગુનો દાખલ ના કર્યો એટલે ફેકટરીના માલિેકે રાતોરાત ડ્રગ્સનો જથ્થો સગેવગે કરીનો પુરાવાનો નાશ પણ કરી નાંખ્યો હતો.હવે ચર્ચા એ છે કે દવા બનાવવાની આડમાં ડ્રગ્સનો વેપાર કરનાર ફેકટરીના માલિકને બચાવનાર દિગ્ગજ નેતાજી કોણ છે ? …. ગાંધીનગરમાં સચિવાલયના ગલિયારાઓમાં આ મુદ્દે હોટ ચર્ચા ચાલી રહી છે.

Share Now