મણિપુર હિંસા કેસોમાં CBI પર સુપ્રીમની સીધી નજર

42

– સુપ્રીમ કોર્ટના નિર્દેશો : સીબીઆઇ સિવાયના કેસોની તપાસ માટે મણિપુર સિવાયના છ અધિકારીઓ 42 એસઆઇટીની દેખરેખમાં
– સીબીઆઇની તપાસ ઉપર ડીઆઇજી રેન્કના અધિકારી દેખરેખ રાખશે, સુપ્રીમ કોર્ટને અહેવાલ આપશે
– દરેક એસઆઇટીમાં રાજ્ય બહારના એક પોલીસ અધિકારીનો સમાવેશ

નવી દિલ્હી : મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસા ફાટી નીકળી છે.જેની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે અને તપાસ માટે કમિટીની રચના કરી છે.કમિટીમાં હાઇકોર્ટના ત્રણ પૂર્વ મહિલા ન્યાયાધીશોને સામેલ કરવામાં આવ્યા છે.જેઓ મણિપુર જઇને રાહત કેમ્પોની મુલાકાત લેશે.આ ઉપરાંત કમિટી હિંસાની વિવિધ ઘટનાઓની પણ તપાસ કરશે,જેમાં સરકાર તરફથી શું પગલા લેવાયા તેનો પણ સમાવેશ કરાયો છે.જોકે કમિટી સીબીઆઇ અને પોલીસથી અલગ પોતાની રીતે તપાસ કરશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠીત કમિટીમાં જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગિતા મિત્તલ,દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ આશા મેનન અને બોમ્બે હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શાલિની પનસાકર જોશીનો સમાવેશ કરાયો છે.સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એટર્ની જનરલે પોતાનો પક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે અમે જમીની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,કોઇ પણ નાની ભૂલ મોટી અસર પાડી શકે છે.જ્યારે અરજદારો વતી વકીલ વૃંદા ગ્રોવરે એવી દલીલ કરી હતી કે અત્યાર સુધી જે મામલાઓમાં કોઇ પગલા સરકાર દ્વારા લેવામાં ન આવ્યા હોય તેની પણ જવાબદારી નક્કી થવી જરૂરી છે.જ્યારે અન્ય વરીષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહે કહ્યું હતું કે આપણે બે હિસ્સામાં કાર્યવાહીને વહેચી દેવી જોઇએ,જેમાં અત્યાર સુધી જે મોટા અપરાધ થયા છે તે અને બીજી ભવિષ્યમાં આવુ કઇ ન થાય તેનો સમાવેશ કરવો જોઇએ.તપાસ માટે સુપ્રીમ કોર્ટ નિવૃત્ત ન્યાયાધીશોની કમિટી બનાવે તેવી માગણી તેમણે કરી હતી.જે બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે જે ન્યાયીક તપાસ કરશે.કમિટીની રચના ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઇ દ્વારા જે તપાસ ચાલી રહી છે તેની દેખરેખ પૂર્વ આઇપીએસ અધિકારી દત્તાત્રેય પદસાલગીકર કરશે.જ્યારે ૪૨ એસઆઇટીની રચના કરવામાં આવી છે તેની તપાસની દેખરેખ ડીઆઇજી રેંકના અધિકારીને સોપવામાં આવશે.આ ઉપરાંત જિલ્લા સ્તરની એસઆઇટીની રચના પણ કરવામાં આવી છે.આ જાણકારી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આપી હતી.આ ઉપરાંત એસઆઇટીમાં અન્ય રાજ્યોના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કુકી આદિવાસી સંગઠન અમિત શાહને મળી અલગ રાજકીય વહીવટી તંત્રની માગ કરશે

મણિપુર હિંસાને લઇને મણિપુર આદિવાસી સંગઠન આઇટીએલએફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત કરશે.મંગળવારે થનારી આ બેઠકમાં તેઓ પાંચ મુદ્દાઓ અમિત શાહની સમક્ષ રજુ કરશે.જેમાં અલગ રાજકીય એડમિનિસ્ટ્રેશનનો પણ સમાવેશ થાય છે.સાથે જ જે કુકી આદિવાસીઓ આ હિંસામાં માર્યા ગયા છે તેમની અંતિમવિધિ માટે અલગથી જગ્યા ફાળવવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.આ બેઠક પહેલા મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ આશા વ્યક્ત કરી હતી કે આ બેઠકથી કોઇ શાંતિના પરીણામો આવશે.બીજી તરફ મણિપુરની હિંસાને પગલે કુકી પીપલ્સ એલાયંસ નામના સંગઠને ભાજપને આપેલો ટેકો પરત ખેંચી લીધો છે.હિંસાના વિરોધમાં આ પગલુ ભરવામાં આવ્યું છે.

Share Now