નવી દિલ્હી : વૈશ્વિક બજારમાં વધી રહેલી અસ્થિરતા અને પશ્ચિમ એશિયામાં ઊભા થયેલા સંકટ વચ્ચે દેશના અર્થતંત્રને લઈનેનિર્મલા સીતારમનએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.તેમણે જણાવ્યું કે કાચા તેલ, ખાતર અને સોનાની વધતી કિંમતોના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી રહ્યું છે છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે.નાણાપ્રધાને વડાપ્રધાન દ્વારા વિદેશી મુદ્રા બચાવવા કરાયેલી અપીલનું સમર્થન કરતાં જણાવ્યું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને આયાત ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને આ નિવેદનને સમજવું જરૂરી છે.મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સીતારમને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં છેલ્લા લગભગ ૯૦ દિવસથી સતત ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.તેમણે કહ્યું કે ભારત હાલમાં કાચા તેલ ઉપરાંત ખાતર અને સોનાની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થયેલા તેજ વધારાનો પણ સામનો કરી રહ્યું છે.આ તમામ વસ્તુઓની ખરીદી માટે વિદેશી મુદ્રામાં ચૂકવણી કરવી પડે છે,કારણ કે વૈશ્વિક વેપારમાં રૂપિયા સ્વીકારવામાં આવતા નથી.
નાણાપ્રધાને ખાસ કરીને “થ્રી એફ્સ” એટલે કે ફ્યુઅલ, ફર્ટિલાઇઝર અને ફોરેક્સ અંગે વાત કરતાં કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને સમજવા માટે આ ત્રણ મુદ્દા અત્યંત મહત્વપૂર્ણ છે.તેમણે સંકેત આપ્યો કે આવશ્યક આયાત અને સોનાની વધતી ખરીદીના કારણે દેશના બાહ્ય ખાતા પર દબાણ વધી રહ્યું છે.નાણાપ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.તેમણે જણાવ્યું કે આ સંકટ માત્ર રાજકીય કે કૂટનીતિક મુદ્દો નથી,પરંતુ તેનો સીધો પ્રભાવ વેપાર, ઉદ્યોગ અને સામાન્ય જનજીવન પર પડી શકે છે.સીતારમને ચેતવણી આપતાં કહ્યું કે હાલની પરિસ્થિતિને કારણે ઇંધણ ખર્ચમાં વધારો,માલ સપ્લાયમાં વિલંબ, શિપિંગ ખર્ચમાં વધારો,કાચા માલની અછત અને વર્કિંગ કેપિટલ પર દબાણ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.સાથે જ નિકાસ ઓર્ડરોમાં અનિશ્ચિતતા પણ વધી શકે છે,જેના કારણે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે આગામી સમય પડકારજનક બની શકે છે.


