સુરત : શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે.હવે આ ત્રાસ માત્ર સોસાયટીઓ અને બગીચાઓ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ શહેરની સૌથી વ્યસ્ત ટેક્સટાઇલ માર્કેટોમાં પણ લોકો માટે જીવલેણ બનતો જઈ રહ્યો છે.સુરતના રિંગરોડ સ્થિત તિરુપતિ માર્કેટમાં એક માસૂમ બાળક પર શ્વાનોના ટોળાએ કરેલા હુમલાનો હચમચાવી મૂકે એવો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.ઘટનાએ વેપારીઓ,મુલાકાતીઓ અને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ ઉભો કર્યો છે.
માહિતી મુજબ એક મહિલા પોતાના નાના બાળક સાથે તિરુપતિ માર્કેટમાં ખરીદી માટે આવી હતી.દરમિયાન થોડા સમય માટે માતાનું ધ્યાન બાળક પરથી હટતાં જ ત્યાં ફરતા ત્રણ રખડતા શ્વાનો અચાનક બાળક પર તૂટી પડ્યા હતા.શ્વાનોએ બાળકને ઘેરી લઈને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું અને તેને રસ્તા પર ઢસડ્યો હતો.બાળકની ચીસો અને માતાની બૂમાબૂમ સાંભળી આસપાસના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા.ભારે જહેમત બાદ બાળકને શ્વાનોના મોંમાંથી છોડાવવામાં આવ્યો હતો.ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ બનેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
તિરુપતિ માર્કેટના વેપારીઓએ ઘટનાને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વેપારીઓનું કહેવું છે કે જ્યાં રોજ હજારો લોકો અને વેપારીઓની અવરજવર રહે છે, ત્યાં રખડતા શ્વાનોનો આતંક લોકો માટે મોટી આફત બની ગયો છે.તેઓએ આરોપ લગાવ્યો કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ રહી છે.તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનોના હુમલાની વધતી ઘટનાઓ બાદ હવે સુરત કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.સ્થાનિકો અને વેપારી સંગઠનો દ્વારા રખડતા શ્વાનોને નિયંત્રણમાં લેવા તાત્કાલિક વિશેષ ઝુંબેશ ચલાવવાની માંગ ઉઠી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર બગીચાઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ શ્વાનોના હુમલાના બનાવોમાં વધારો નોંધાયો છે. જાહેર સ્થળોએ શ્વાનોના ઝૂંડ જોવા મળતાં પરિવાર સાથે ફરવા આવતા લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.શહેરમાં રખડતા શ્વાનોની હિંસક હરકતો હવે પશુઓ સુધી પણ પહોંચી ગઈ છે.રામપુરા વિસ્તારમાં ઈદની કુરબાની માટે લાવવામાં આવેલા ત્રણ બકરાઓ પર રાત્રે શ્વાનોના ટોળાએ હુમલો કર્યો હતો.શ્વાનોએ બકરાઓને ગંભીર રીતે ફાડી નાખતાં ત્રણેયના મોત નિપજ્યા હતા.આ બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


