પ્રાદેશિક તણાવ અને આર્થિક પડકારો વચ્ચે ઇરાનની અર્થવ્યવસ્થા પર દબાણ સતત વધી રહ્યું છે. શમાં વધતી મોંઘવારી,ચલણના અવમૂલ્યન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે સામાન્ય નાગરિકો માટે જીવનનિર્વાહ વધુ મુશ્કેલ બન્યો હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે.ઇરાનની આર્થિક સ્થિતિ અંગે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ગ્રાહક ભાવસૂચકાંકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.દવાઓ,પરિવહન, સંચાર અને અન્ય દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ભારે વધારો થયો છે.અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે લાંબા સમયથી ચાલતા પ્રતિબંધો, નબળું ચલણ અને વેપાર ક્ષેત્રે સર્જાયેલી અનિશ્ચિતતાએ આ સ્થિતિ વધુ ગંભીર બનાવી છે.
તાજેતરના મહિનાઓમાં પ્રાદેશિક સંઘર્ષ અને હવાઈ હુમલાઓના કારણે ઇરાનના ઊર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ અસર પહોંચી હોવાનું માનવામાં આવે છે.તેલ નિકાસમાં અવરોધો અને ઘટતી આવકના કારણે સરકાર પર નાણાકીય દબાણ વધ્યું છે.આ દરમિયાન લેબનોનમાં વધતી લશ્કરી કાર્યવાહી મુદ્દે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે અભિપ્રાયભેદ હોવાના અહેવાલો સામે આવ્યા છે.ઇરાને લેબનોનમાં પણ યુદ્ધવિરામનો સમાવેશ કરવાની માંગ સાથે અમેરિકા સાથે ચાલી રહેલા કેટલાક સંપર્કો અટકાવ્યા હોવાનું જણાવવામાં આવે છે.
અહેવાલો મુજબ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે આ મુદ્દે ટેલિફોનિક વાતચીત થઈ હતી.જોકે બંને નેતાઓ વચ્ચેની ચર્ચાની વિગતો અંગે સત્તાવાર સ્તરે મર્યાદિત માહિતી જ ઉપલબ્ધ છે.બીજી તરફ લેબનોન-ઇઝરાયેલ સરહદે અથડામણો ચાલુ રહી છે.ઇઝરાયેલી હવાઈ હુમલાઓ અને હીઝબુલ્લાહના પ્રતિસાદી હુમલાઓને કારણે બંને પક્ષે જાનહાનિ અને ઇજાના અહેવાલો મળ્યા છે.વધતા તણાવ વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિ પ્રયાસોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિશ્લેષકોનું માનવું છે કે ઇરાનની આર્થિક મુશ્કેલીઓ અને પ્રાદેશિક સુરક્ષા પડકારો આગામી સમયમાં મધ્યપૂર્વના રાજકીય સમીકરણો પર મહત્વપૂર્ણ અસર કરી શકે છે.સાથે જ અમેરિકા,ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંબંધોની દિશા પણ સમગ્ર ક્ષેત્રની સ્થિરતા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


