નવી દિલ્હી : દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે,જ્યારે 47 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.મૃતકોમાં કેટલાક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી અનુસાર હૌઝ રાની વિસ્તારમાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં ચાલતી રેસ્ટોરન્ટમાં સવારે આશરે 8:50 વાગ્યે આગ લાગી હતી.આગ ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાતા અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.કેટલાક લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી નીચે કૂદકો માર્યો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું.આ ઇમારતમાં રેસ્ટોરન્ટ ઉપરાંત ગેસ્ટ હાઉસ પણ કાર્યરત હતું.ઘટના સમયે રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં મળીને 60થી વધુ લોકો હાજર હોવાનું જણાવવામાં આવ્યું છે.આગ લાગ્યા બાદ અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા,જેને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગની જાણ થતાં જ દમકલની અનેક ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ટીમોએ બચાવ કામગીરી હાથ ધરીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગના કારણો તેમજ સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવશે.બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ પણ મદદ કરી હતી.કેટલાક લોકોએ ઇમારતમાંથી બહાર નીકળતા લોકોને બચાવવા માટે રસ્તા પર ગાદલા અને અન્ય સામગ્રી પાથરી હતી,જેના કારણે કેટલાક લોકોનો જીવ બચી શક્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.સાથે જ પ્રભાવિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.અધિકારીઓના જણાવ્યા મુજબ બચાવ અને તપાસ કામગીરી ચાલુ છે અને મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.


