વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીમાં મંગળવારની મધરાતે વહીવટીતંત્ર અને રેલવે તંત્રે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી કાશી રેલવે સ્ટેશનની આસપાસ રેલવેની જમીન પર આવેલા અનેક ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા.આ કાર્યવાહી કાશી રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકાસ યોજનાના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
માહિતી અનુસાર, આદમપુર વિસ્તારના રાજઘાટ પોલીસ ચોકી નજીક રેલવેની જમીન પર આવેલ હનુમાન મંદિરને સૌથી પહેલા તોડી પાડવામાં આવ્યું હતું.ત્યારબાદ અજગૈબ શહીદ મસ્જિદ અને કબ્રસ્તાન સાથે સંકળાયેલા કેટલાક બાંધકામો પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.લગભગ એક કલાકની કાર્યવાહી દરમિયાન ચિહ્નિત તમામ ગેરકાયદે માળખાઓ દૂર કરવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો.પોલીસ,પીએસી અને આરપીએફના જવાનો મોટી સંખ્યામાં તહેનાત રાખવામાં આવ્યા હતા.અંદાજે એક કિલોમીટર વિસ્તાર સુધી સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું અને મીડિયા પ્રતિનિધિઓને પણ સ્થળ નજીક જવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
અધિકારીઓએ તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નહોતું,પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કાશી રેલવે સ્ટેશનના વિસ્તરણ અને વિકાસ માટે આશરે 47.26 એકર જમીન પર કામ થવાનું છે.આ વિસ્તારમાં આવેલી કેટલીક જમીન અને ધાર્મિક માળખાઓ અંગે રેલવે તથા સ્થાનિક પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.કાશી રેલવે સ્ટેશનને આશરે ₹336 કરોડના ખર્ચે આધુનિક મલ્ટી-મોડલ ઇન્ટરમોડલ સ્ટેશન તરીકે વિકસાવવાની યોજના અમલમાં છે.પ્રોજેક્ટ હેઠળ રેલવે,બસ અને જળ પરિવહન સેવાઓને એક જ કેન્દ્ર સાથે જોડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.સ્ટેશનમાં આધુનિક ટિકિટિંગ વ્યવસ્થા,ફૂડ પ્લાઝા,રિટાયરિંગ રૂમ અને અન્ય યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.આ ઉપરાંત ગંગા નદીના કિનારે આવેલા નમો ઘાટ સહિતના ઘાટો સાથે જળ પરિવહન દ્વારા સીધી કનેક્ટિવિટી વિકસાવવાની પણ યોજના છે.અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં ટ્રાફિકનું દબાણ ઘટશે અને પ્રવાસીઓને વધુ સુવિધાજનક પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ થશે.


