કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકીય માહોલ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ ચૂંટણી પરિણામો અને પક્ષના કાર્યકરો સામે કથિત કાર્યવાહીનો વિરોધ કરતાં ધરણું શરૂ કર્યું છે.આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર વિધાનસભાની અનેક બેઠકોમાં ગેરરીતિઓ દ્વારા જીત મેળવવાનો આક્ષેપ કર્યો છે.મમતા બેનરજીએ દાવો કર્યો કે રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી 177 બેઠકો પર ગોટાળા થયા હતા.તેમણે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને વિરોધ કાર્યક્રમોમાં ભાગ લેતા અટકાવવામાં આવી રહ્યા છે અને અનેક સ્થળોએ પક્ષના સમર્થકોને ધમકીઓ આપવામાં આવી રહી છે.મમતાએ જણાવ્યું કે વિરોધ-પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી ન મળવા છતાં પક્ષ લોકશાહી માધ્યમોથી પોતાનો વિરોધ ચાલુ રાખશે.ધરણા દરમિયાન મમતાએ કહ્યું કે પક્ષના કાર્યકરો મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને તેઓ તેમની સાથે સતત ઉભા રહેશે. તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરો સામે થઈ રહેલી કથિત કાર્યવાહી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.તૃણમૂલ કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓ અને કાર્યકરો પણ આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. પક્ષે તાજેતરમાં તેના કેટલાક નેતાઓ પર થયેલા કથિત હુમલાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.આ મુદ્દે ભાજપ તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.રાજ્યના રાજકીય વિકાસ પર હવે સૌની નજર મંડાઈ છે.
તૃણમૂલ કૉન્ગ્રેસ તૂટી જશે કે શું?
મમતાદીદીએ જેમને પાર્ટીમાંથી કાઢ્યા એ વિધાનસભ્યોએ કર્યો ચોંકાવનારો દાવો : અમે જ અસલી તૃણમૂલ છીએ, અમારી સાથે ૫ચાસથી વધુ વિધાનસભ્યો છે
પશ્ચિમ બંગાળમાં મમતાદીદી અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC) હવે ઇતિહાસ બનવાની કગાર પર છે.વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત હાર મળ્યા પછી પાર્ટીની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ હોય એવું લાગે છે, કેમ કે મમતા બૅનરજી બેઠકો અને ધરણાંનું આયોજન કરે છે પણ કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય તેમનું સાંભળતું નથી.ગઈકાલે કલકત્તાના રાણી અૅવન્યુ પર TMCએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અભિષેક બૅનરજી પર થયેલા હુમલાના વિરોધમાં મહાધરણાંનું આયોજન કર્યું હતું,પરંતુ એમાં પાર્ટીના ૮૦માંથી માત્ર ૭ વિધાનસભ્યો જ પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં વિધાનસભ્યો મમતા દીદીથી અંતર બનાવે એનાથી જ પાર્ટીમાં કંઈક મોટી ગરબડ હોય એનો સીધો સંકેત છે.
પશ્ચિમ બંગાળમાં TMC હવે બે ભાગોમાં વહેંચાઈ જાય એવી પૂરી સંભાવનાઓ આકાર લઈ રહી છે.થોડા સમય પહેલાં TMCમાંથી હાંકી કઢાયેલા નેતા રિજુ દત્તાએ દાવો કર્યો હતો કે TMCના ૮૦ વિધાનસભ્યોમાંથી પચાસથી વધુ સભ્યો ખુદને અસલી તૃણમૂલ ગણાવવાની તૈયારી કરી રહ્યા છે.તેમણે દાવો કર્યો હતો કે આ વિધાનસભ્યો સ્પીકર પાસે જઈને ત્રણ મુદ્દા ઉઠાવવાના છે.એક તો એ કે તેઓ જ અસલી TMC છે.બીજું વિપક્ષના નેતા અમારામાંથી હોય અને એમાં સંભવતઃ નામ ઋતબ્રત બૅનરજીનું છે,મમતાએ નક્કી કરેલા શોભનદેવ નહીં.ત્રીજું અમારી પાસે બે-તૃતીયાંશ બહુમત છે એટલે ચૂંટણીનું ચિહ્ન પણ અમારું હોવું જોઈએ.


