ગુજરાતનાં શક્તિપીઠો અને પ્રસિદ્ધ મંદિરોમાં નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ; ઘટસ્થાપન, વિશેષ આરતી, હવન અને ગરબાના કાર્યક્રમો યોજાશે
આસો સુદ એકમથી આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે.નવ દિવસ સુધી ચાલનારા આ પર્વમાં ગુજરાતનાં પ્રસિદ્ધ શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળશે.અંબાજી,પાવાગઢ,ચોટીલા,બહુચરાજી,માતાના મઢ,હર્ષિદ્ધિ માતાજી,ખોડલધામ અને અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ક્યાંક ઘટસ્થાપન અને વિશેષ આરતી થશે, તો ક્યાંક હવન,પદયાત્રા અને પરંપરાગત ગરબાનું આયોજન કરાયું છે.
અંબાજી : શ્રી યંત્રની પૂજા, ચાચર ચોકમાં ગરબાનું આયોજન
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા આરાસુરી અંબાજી મંદિરનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે.અહીં ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમા કે છબીના બદલે પવિત્ર શ્રી વિસા યંત્રની પૂજા કરવામાં આવે છે.યંત્રનાં સીધાં દર્શન કરી શકાતા નથી અને તેની તસવીર લેવાની મનાઈ છે.ગબ્બર પર્વત પર માતાજીનાં ચરણચિહ્નો પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 9.30 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવશે.એકમ અને ચોથ સહિતની મહત્ત્વની તિથિઓએ માતાજીને વિશેષ પુષ્પશણગાર કરવામાં આવશે.આઠમના દિવસે સવારે 6 વાગ્યે વિશેષ આરતી યોજાશે. ચાચર ચોકમાં રાત્રે 9થી 12 વાગ્યા દરમિયાન પરંપરાગત ગરબાનું આયોજન કરાયું છે.
દર્શનનો સમય: સવારે 6.30થી 11.30, બપોરે 12.30થી 4.15 અને સાંજે 6.30થી રાત્રે 9 વાગ્યા સુધી.
ચોટીલા : 162 પગથિયાં ચડીને ભક્તો કરશે ચામુંડા માતાજીનાં દર્શન
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન માટે નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે.ડુંગરની તળેટીથી મંદિર સુધીનાં 162 પગથિયાં ચડીને ભક્તો માતાજીનાં દર્શન કરે છે.કેટલાક શ્રદ્ધાળુઓ દંડવત પ્રણામ કરતાં અથવા આળોટતાં ડુંગર ચડવાની બાધા પણ પૂર્ણ કરે છે.નવરાત્રિના પ્રથમ અને આઠમા નોરતે સવારે 4 વાગ્યે આરતી થશે, જ્યારે અન્ય દિવસોમાં સવારે 5 વાગ્યે આરતી યોજાશે.દર્શનાર્થીઓ માટે પગથિયાંનો માર્ગ આરતીના સમયથી 30 મિનિટ પહેલાં ખોલવામાં આવશે. સાંજની આરતી સૂર્યાસ્તના સમય મુજબ થશે.નવરાત્રિના અંતિમ દિવસે ડુંગર પર હવનનું આયોજન કરાયું છે. બપોરે 12.30 વાગ્યે બીડું હોમાયા બાદ યજ્ઞ પૂર્ણ થશે. સાંજની આરતી બાદ ડુંગર પર કોઈને રાત્રિ રોકાણ કરવાની મંજૂરી હોતી નથી.
બહુચરાજી : ઐતિહાસિક નવલખો હાર આઠમના દિવસે પહેરાવાશે
મહેસાણા જિલ્લાના બહુચરાજી માતાજીના મંદિરમાં નવરાત્રિ દરમિયાન વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવે છે.મંદિરનું મુખ્ય આકર્ષણ વડોદરા રાજ્યના કડી પ્રાંતના સુબા માનાજીરાવ ગાયકવાડે વર્ષ 1839માં ભેટ આપેલો ઐતિહાસિક નવલખો હાર છે.આ હારમાં 150થી વધુ કિંમતી હીરા અને નવ નીલમ જડેલાં હોવાનું જણાવાય છે. તે સમયના નવ લાખ રૂપિયાની કિંમત ધરાવતા આ હારનું આજનું મૂલ્ય રૂ 300 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.સુરક્ષાના કારણોસર હાર સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને વર્ષમાં એક જ વાર આસો સુદ આઠમની પાલખી યાત્રા વખતે માતાજીને પહેરાવવામાં આવે છે.
દર્શનનો સમય: સવારે 5થી રાત્રે 9.30 વાગ્યા સુધી.
હર્ષિદ્ધિ માતાજી : નવરાત્રિમાં આરતી અને હવનનું આયોજન
દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) ગામ નજીક અરબી સમુદ્રના કિનારે આવેલા કોયલા ડુંગર પર હર્ષિદ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. ડુંગરની તળેટીમાં પણ માતાજીનું મંદિર છે.હર્ષિદ્ધિ માતાજીને ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા વિક્રમાદિત્યનાં કુળદેવી તરીકે પૂજવામાં આવે છે.લોકમાન્યતા અનુસાર, રાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતા અને તેમને ઉજ્જૈન લઈ ગયા હતા.આ માન્યતા સાથે હર્ષદ અને ઉજ્જૈનનાં હર્ષિદ્ધિ મંદિરોની પરંપરા જોડાયેલી છે.નવરાત્રિ દરમિયાન દરરોજ સવારે 6 અને સાંજે 7 વાગ્યે આરતી યોજાશે. 18 ઑક્ટોબરે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
માતાના મઢ : આશાપુરા માતાજીના દર્શન માટે ઉમટશે શ્રદ્ધાળુઓ
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું માતાના મઢ આશાપુરા માતાજીનું પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ છે.કચ્છ સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે.નવરાત્રિ દરમિયાન મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિઓ યોજાય છે.નવરાત્રિના અંતે યોજાતી પતરીવિધિ અહીંની વિશિષ્ટ પરંપરા છે.આ વિધિમાં પતરી નામની વનસ્પતિ માતાજીના જમણા ખભા પર મૂકવામાં આવે છે.ત્યાર બાદ રાવળ પરિવારના સભ્ય પોતાના વસ્ત્રનો છેડો ફેલાવીને ઊભા રહે છે.ઘંટનાદ અને ઢોલના તાલ સાથે માતાજીની સ્તુતિ કરવામાં આવે છે.પતરીનાં પાન વસ્ત્રમાં પડે તેને માતાજીના આશીર્વાદ તરીકે સ્વીકારવામાં આવે છે.
દર્શનનો સમય: સવારે 5થી રાત્રે 12 વાગ્યા સુધી.
મંદિરમાં 10 ઑક્ટોબરની રાત્રે 9.30 વાગ્યે ઘટસ્થાપનનું આયોજન હતું. 18 ઑક્ટોબરે રાત્રે 9.30 વાગ્યે હવન શરૂ થશે અને રાત્રે 12.15 વાગ્યે શ્રીફળ હોમાશે. 19 ઑક્ટોબરે સવારે 7 વાગ્યે પતરીવિધિ યોજાશે.
ખોડલધામ: પ્રથમ નોરતે પદયાત્રા, રોજ થશે વિશેષ શણગાર
રાજકોટ જિલ્લાના કાગવડ નજીક આવેલા ખોડલધામ મંદિરમાં નવરાત્રિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવશે.પ્રથમ નોરતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સતત 16મા વર્ષે કાગવડ ગામથી મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે.પદયાત્રા મંદિર પહોંચ્યા બાદ મા ખોડલની મહાઆરતી કરવામાં આવશે અને મંદિરના શિખર પર ધ્વજારોહણ સાથે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે.નવ દિવસ દરમિયાન યજ્ઞશાળામાં હવન યોજાશે અને માતાજીને દરરોજ વિવિધ શણગાર કરવામાં આવશે.
અમદાવાદ : ભદ્રકાળી મંદિરમાં વિશેષ આરતી, ભદ્ર ચોકમાં ગરબા
અમદાવાદના નગરદેવી તરીકે પૂજાતા ભદ્રકાળી માતાજીના મંદિરમાં નવરાત્રિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરના ગર્ભગૃહને વર્ષ 1895માં ચાંદીનું છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 1936માં ગર્ભગૃહના દ્વારની મોકળાશ વધારી તેને સંગેમરમરથી સુશોભિત કરવામાં આવ્યું હતું.નવરાત્રિના પ્રથમ દિવસે સવારે 8 વાગ્યે ઘટસ્થાપન અને સવારે 9.30 વાગ્યે આરતી યોજાશે.અન્ય નોરતાં દરમિયાન સવારે 9.30 અને રાત્રે 8.30 વાગ્યે આરતી થશે. 19 ઑક્ટોબરે આઠમના હવનનું આયોજન કરાયું છે, જે રાત્રે 12 વાગ્યે શરૂ થશે.આ પ્રસંગે આખી રાત માતાજીનાં દર્શન કરી શકાશે. નવરાત્રિ દરમિયાન ભદ્ર ચોકમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતનાં આસ્થાનાં મુખ્ય કેન્દ્રોમાં નવરાત્રિ દરમિયાન ધાર્મિક વિધિઓ અને પરંપરાગત કાર્યક્રમોની સાથે ભક્તોની અવરજવર વધવાની છે. માતાજીનાં દર્શન, આરતી અને ગરબાના માધ્યમથી રાજ્યભરમાં નવરાત્રિનો ઉત્સવ ઉજવાશે.


