પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા આશરે 200 વર્ષ જૂના રામલીલા મંદિરને તોડી પાડવાના પ્રયાસ બાદ વિવાદ ઊભો થયો છે.હિન્દુ સંગઠનોએ મંદિરની સુરક્ષા અને તેના ઐતિહાસિક વારસાને જાળવવાની માગ સાથે વિરોધ નોંધાવ્યો છે.વિવાદ વધતાં મંદિરનું રક્ષણ કરવાની વ્યવસ્થા કરવાને બદલે સ્થાનિક વહીવટીતંત્રે મંદિરને સીલ કરી પોતાના કબજામાં લઈ લીધું છે.આ મંદિર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં આવેલું છે.સ્થાનિક સ્તરે મંદિરની જગ્યાએ વ્યાપારી સંકુલ બનાવવાની યોજના હોવાની ચર્ચા વચ્ચે તેને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ ઘટનાથી સ્થાનિક હિન્દુ સમુદાય અને ધાર્મિક સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી. વિરોધને પગલે મંદિર તોડવાની યોજના હાલ અટકાવવામાં આવી છે.મંદિરનો સમાવેશ જિલ્લાના આશરે 400 ઐતિહાસિક વારસાસ્થળોમાં થાય છે.આથી મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ વિસ્તારના ઐતિહાસિક વારસાનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે.સ્થાનિક હિન્દુ સમુદાય માટે આ સ્થળનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે.વિવાદ બાદ પાકિસ્તાનના ઇવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ દ્વારા મંદિરને સીલ કરવામાં આવ્યું હતું.આ બોર્ડ ભાગલા બાદ ભારત આવેલા લોકો દ્વારા પાકિસ્તાનમાં છોડવામાં આવેલી કેટલીક ધાર્મિક અને અન્ય મિલકતોના વહીવટ સાથે સંકળાયેલું છે.મંદિરને સીલ કરવાના પગલાથી તેની સુરક્ષા, વહીવટ અને ભવિષ્યમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુ રહી શકશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.
ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં હિન્દુ સમુદાય સાથે સંકળાયેલાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે.પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોનાં ધાર્મિક સ્થળોની જાળવણી અને તેમની મિલકતોના રક્ષણનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે.પાકિસ્તાનના માનવ અધિકાર પંચે પણ દેશમાં લઘુમતીઓના અધિકારોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી છે.આ ઘટનાએ ધાર્મિક વારસાની સુરક્ષા અને લઘુમતીઓના અધિકારો અંગે ફરી ચર્ચા જગાવી છે.આશરે બે સદી જૂના મંદિરને તોડી પાડવાને બદલે તેનું ઐતિહાસિક મહત્ત્વ જાળવવું અને ધાર્મિક સ્થળ તરીકે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે.હવે મંદિર અંગે સ્થાનિક પ્રશાસન અને સંબંધિત ટ્રસ્ટ દ્વારા આગળ શું નિર્ણય લેવામાં આવે છે તેના પર હિન્દુ સમુદાયની નજર રહેશે.


