મુંબઈ : બોલિવૂડના કલાકારો અને મનોરંજન જગત સાથે સંકળાયેલી હસ્તીઓ પર હુમલા તથા ધમકીઓની ઘટનાઓએ ફિલ્મ ઉદ્યોગની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સલમાન ખાનને મળેલી ધમકીઓથી લઈને વિવિધ કલાકારો,ગાયકો અને અન્ય જાણીતી હસ્તીઓ સાથે જોડાયેલી ઘટનાઓમાં સામે આવ્યું છે.તાજેતરમાં ટાઈગર શ્રોફ પર ગોળીબારની ઘટનાએ આ મુદ્દાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દીકીની હત્યા અને ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર થયેલા ગોળીબારની ઘટનાએ પણ બોલિવૂડમાં ચિંતા વધારી હતી.લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને બોલિવૂડ વચ્ચેના વિવાદની શરૂઆત વર્ષ 2018માં સલમાન ખાનને આપવામાં આવેલી જાનથી મારી નાખવાની ધમકીઓ સાથે જોડાયેલી છે.જોધપુરમાં કોર્ટમાં રજૂઆત દરમિયાન બિશ્નોઈએ સલમાન ખાનને નિશાન બનાવવાની ધમકી આપી હતી. ત્યારથી અભિનેતા અને તેમની સુરક્ષા અંગે સતત ચર્ચા થતી રહી છે.સલમાન ખાન સાથે સંકળાયેલા લોકો અને તેમની નજીકની હસ્તીઓને પણ ધમકીઓ મળતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.એપ્રિલ 2024માં મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.આ ઘટનાએ ફિલ્મ ઉદ્યોગમાં ભારે ચકચાર મચાવી હતી.સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર થયેલા ગોળીબાર બાદ તેમની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવી હતી.
12 ઑક્ટોબર 2024ના રોજ મુંબઈના બાંદ્રા પૂર્વ વિસ્તારમાં એનસીપીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.બાબા સિદ્દીકી સલમાન ખાનની નજીકના વ્યક્તિ તરીકે ઓળખાતા હતા.તેમની હત્યાએ રાજકીય વર્તુળો અને ફિલ્મ ઉદ્યોગમાં ભારે આઘાત ફેલાવ્યો હતો.આ કેસમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકોનાં નામ સામે આવ્યાં હતાં અને તપાસ હાથ ધરવામાં આવી હતી.બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન સાથે સંકળાયેલા લોકોની સુરક્ષાનો મુદ્દો વધુ ગંભીર બન્યો હતો.બોલિવૂડની હસ્તીઓ માટે ધમકીઓ માત્ર વ્યક્તિગત સુરક્ષાનો પ્રશ્ન રહ્યો નથી,પરંતુ ફિલ્મ ઉદ્યોગના કાર્યક્રમો, જાહેર સ્થળો અને કલાકારોનાં નિવાસસ્થાનોની સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે.
ટાઈગર શ્રોફ પર ગોળીબારની તાજેતરની ઘટનાએ આ ચિંતા ફરી વધારી છે.અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ યુવા પેઢીના લોકપ્રિય કલાકારોમાં સામેલ છે.તેમની સાથે જોડાયેલી આ ઘટનામાં બિશ્નોઈ ગેંગની જવાબદારીનો દાવો ચર્ચામાં આવ્યો છે.ફિલ્મી હસ્તીઓને નિશાન બનાવવાની ધમકીઓ અને ગોળીબારની ઘટનાઓને કારણે કલાકારોની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી સવાલો ઊભા થયા છે.વર્ષ 2026 દરમિયાન પણ ગોળીબાર અને ધમકીઓની અનેક ઘટનાઓ સામે આવી છે. સપ્ટેમ્બર 2026માં હરિયાણામાં ગાયક દિલેર બરકીયાની કાર પર ગોળીબાર થયો હોવાની ઘટના નોંધાઈ હતી.આ ઘટનાની જવાબદારી અનિલ પંડિતે લીધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ફેબ્રુઆરી 2026માં દિલ્હીના બવાના ઔદ્યોગિક વિસ્તારમાં એક વેપારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જૂન 2026માં દિલ્હીના પશ્ચિમ વિહારમાં પંજાબી ગાયક ગુરુ રંધાવાના જિમની બહાર પણ ગોળીબારની ઘટના બની હતી.ફેબ્રુઆરી 2026માં મુંબઈના જુહુ વિસ્તારમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના નિવાસસ્થાન શેટ્ટી ટાવરની બહાર ગોળીબાર થયો હતો.આ ઘટનાની તપાસમાં લોરેન્સ બિશ્નોઈ અને શુભમ લોનકર સાથે સંકળાયેલા જૂથોની ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી.ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને મળતી ધમકીઓના કારણે મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સુરક્ષાનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.ઑગસ્ટ 2025માં યુટ્યુબર એલ્વિશ યાદવના ગુરુગ્રામ સ્થિત ઘર નજીક બાઇક પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.આ ઘટનામાં આશરે 30 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હોવાની વિગતો સામે આવી હતસપ્ટેમ્બર 2024માં કેનેડાના વાનકુવરમાં પંજાબી ગાયક એપી ઢિલ્લોનના નિવાસસ્થાનની બહાર ગોળીબાર થયો હતો.નવેમ્બર 2023માં પંજાબી અભિનેતા ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત ઘરની બહાર પણ ગોળીબાર થયો હતો.આ બંને ઘટનાઓમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા નામો ચર્ચામાં આવ્યાં હતાં.મે 2022માં પંજાબના માનસા વિસ્તારમાં લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.હુમલાખોરોએ તેમની કાર પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી.આ હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સાથે સંકળાયેલા લોકોનાં નામ સામે આવ્યાં હતાં.આ ઘટનાએ પંજાબી સંગીત જગતને હચમચાવી નાખ્યું હતું અને ગાયક કલાકારોની સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ હતી.આ ઘટનાઓમાં વારંવાર સામે આવતાં નામોમાં અનિલ પંડિત અને હરમન સંધુનો પણ ઉલ્લેખ થાય છે.અનિલ પંડિત મૂળ હરિયાણાના પાણીપતનો રહેવાસી હોવાનું જણાવવામાં આવે છે.તેને બિશ્નોઈ ગેંગના શૂટર અને વિદેશમાં કાર્યરત નેટવર્ક સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે ઓળખાવવામાં આવ્યો છે.તે લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈનો નજીકનો સાથી હોવાનું પણ કહેવાય છે.અનમોલ બિશ્નોઈને અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો.છેલ્લાં આઠ વર્ષમાં સલમાન ખાનને મળેલી ધમકીઓથી લઈને બાબા સિદ્દીકીની હત્યા,રોહિત શેટ્ટીના ઘર બહાર ગોળીબાર અને અન્ય કલાકારો સાથે જોડાયેલી ઘટનાઓએ બોલિવૂડની સુરક્ષા સામે મોટો પડકાર ઊભો કર્યો છે.ફિલ્મ ઉદ્યોગમાં હવે કલાકારોની વ્યક્તિગત સુરક્ષા, નિવાસસ્થાનોની દેખરેખ અને જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.રૂપેરી પડદે વિલનની ભૂમિકા ભજવતા કલાકારો વાસ્તવિક જીવનમાં ગુનાહિત ગેંગની ધમકીઓનો સામનો કરે તેવી સ્થિતિએ મનોરંજન જગતને સતત સતર્ક રહેવાની ફરજ પાડી છે.


