વિદ્યાર્થીઓના આંદોલન પાછળ નવેમ્બર 2024માં નોવી સાદ શહેરના રેલવે સ્ટેશનની છતનો ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના મહત્ત્વપૂર્ણ કારણ બની હતી.આ ઘટનામાં 16 લોકોનાં મોત થયા બાદ વિદ્યાર્થીઓએ જવાબદારી નક્કી કરવા, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા અને સરકારી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા.ધીમે ધીમે આ આંદોલન દેશવ્યાપી બન્યું અને સરકાર સામે મોટો રાજકીય પડકાર ઊભો થયો.વિદ્યાર્થીઓએ પોતાના આંદોલનને માત્ર રસ્તા પરના વિરોધ સુધી મર્યાદિત રાખવાને બદલે ચૂંટણીના મેદાનમાં પણ ઉતાર્યું હતું.યુવાનોના સંગઠિત પ્રયાસો અને સરકાર સામેના અસંતોષને કારણે ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાયાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.પરિણામોના પ્રારંભિક અંદાજો સામે આવ્યા બાદ રાજધાની બેલગ્રેડ સહિત વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો ઉજવણી કરવા રસ્તા પર ઉતર્યા હતા.લોકોએ વિજયના નારા લગાવ્યા અને લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનની સફળતાની ઉજવણી કરી હતી.
રાષ્ટ્રપતિ અલેક્ઝાન્ડર વુસિક સર્બિયાની રાજનીતિમાં લાંબા સમયથી પ્રભાવ ધરાવે છે.તેમના શાસન સામે વધતા અસંતોષ વચ્ચે વિદ્યાર્થીઓના આંદોલને સરકાર માટે ગંભીર પડકાર ઊભો કર્યો છે.ચૂંટણીનાં પરિણામો સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ પામતાં દેશની રાજકીય દિશા વધુ સ્પષ્ટ થશે.સર્બિયાની આ રાજકીય ઘટનાએ યુરોપમાં પણ યુવાનોની રાજકીય ભાગીદારી,ભ્રષ્ટાચાર સામેના આંદોલનો અને લોકશાહી વ્યવસ્થામાં જનતાની ભૂમિકા અંગે ચર્ચા જગાવી છે.વિદ્યાર્થીઓનું આંદોલન હવે ચૂંટણીમાં મળેલા સમર્થનને શાસન અને સંસ્થાકીય સુધારામાં કેવી રીતે ફેરવે છે તે સર્બિયાના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ બનશે.


