ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં એક યુગલ સાથે બનેલી વિચિત્ર ઘટનાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.પત્નીને ઠંડી લાગતી હોવાથી પતિએ તેને હૂંફ આપવા માટે પ્રેમથી ગળે લગાવી હતી,પરંતુ આલિંગન એટલું જોરદાર બની ગયું કે પત્નીની પાંચ પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું.ઘટના સમયે પત્નીએ પતિને કહ્યું હતું કે તેને ખૂબ ઠંડી લાગી રહી છે.પત્નીને હૂંફ આપવા માટે પતિ તેની નજીક આવ્યો અને પ્રેમથી તેને જોરદાર ભેટી પડ્યો.એટલું જ નહીં, તેણે પત્નીને આલિંગનમાં લઈને ઊંચકી પણ લીધી હતી.પતિ માટે આ પ્રેમ વ્યક્ત કરવાની એક સામાન્ય ક્ષણ હતી,પરંતુ આ જ ક્ષણ પત્ની માટે ભારે પીડાનું કારણ બની ગઈ.
પતિએ પત્નીને જોરથી ભેટી લેતાં તેની પાંસળીઓ પર ભારે દબાણ આવ્યું હતું.આ દરમિયાન પત્નીને અસહ્ય પીડા થઈ અને તે ચીસ પાડી ઊઠી.પતિને શરૂઆતમાં પત્નીની ચીસનું કારણ સમજાયું નહીં અને તેને લાગ્યું કે પત્ની ઉત્સાહમાં પ્રતિક્રિયા આપી રહી છે.જોકે, સ્થિતિ સામાન્ય નહોતી.પતિએ આલિંગનની ભીંસ ઢીલી કરતાં જ પત્ની સંતુલન ગુમાવી બેઠી હતી.પીડાને કારણે તે નીચે બેસી ગઈ અને તેને ઊભા રહેવામાં પણ મુશ્કેલી થવા લાગી.પત્નીની સ્થિતિ જોઈને પતિ ગભરાઈ ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો.હોસ્પિટલમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે પત્નીની પાંચ પાંસળીઓમાં ફ્રેક્ચર થયું હતું.પ્રેમ અને હૂંફ વ્યક્ત કરવા માટે કરેલું આલિંગન આટલી ગંભીર ઈજાનું કારણ બનશે તેની પતિને કલ્પના પણ નહોતી.આ ઘટના દર્શાવે છે કે રોજિંદા જીવનમાં થતી સામાન્ય શારીરિક હલનચલન દરમિયાન પણ શરીર પર વધુ પડતું દબાણ ગંભીર ઈજા પહોંચાડી શકે છે.ખાસ કરીને છાતી અને પાંસળીઓના ભાગમાં જોરથી દબાણ આવે ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.પ્રેમભર્યું આલિંગન સંબંધોમાં લાગણી વ્યક્ત કરવાની સુંદર રીત છે, પરંતુ તેમાં પણ સામેની વ્યક્તિની શારીરિક સ્થિતિ અને સહનશક્તિનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.


