દેશના ગરીબ લોકો માટે લોકડાઉન વખતે 1.7 લાખ કરોડના પેકેજની જાહેરાત બાદ હવે ઉદ્યોગોને એક લાખ કરોડનું પેકેજ આપવાની તૈયારી સરકાર કરી રહી છે. ઉદ્યોગો લોકડાઉનના કારણે જે નુકસાન જઈ રહ્ય છે તેને લઈને સતત સરકાર પર રાહત આપવા માટે દબાવ બનાવી રહ્યા છે. ઉદ્યોગ જગતનું માનવું છે કે, ઈન્ડસ્ટ્રિઝને બચાવવી હશે તો વહેલી તકે સરકારે રાહત પેકેજ જાહેર કરવું પડશે.
બેન્કોને પણ 30, 000 કરોડ રુપિયાની મૂડી આપવામાં આવે
ભારતની ઈકોનોમીને ટેકો આપવા માટે ઓછામાં ઓછા 200 અબજ ડોલરના પેકેજની જરૂર છે. આગામી 3 મહિનામાં જ આ પૈકીના 100 અબજ ડોલરની જરૂર પડશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ રકમ નોકરીઓ અને આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જરુરી છે. સરકારે 3 મહિના માટે જીએસટી 50 ટકા અને નાણાકીય વર્ષ માટે 25 ટકા ઓછો કરવા પર વિચાર કરવો જોઈએ. ઉદ્યોગોની માંગ છે કે, બેન્કોને પણ 30, 000 કરોડ રુપિયાની મૂડી આપવામાં આવે. જેથી ઉદ્યોગોને મદદ થઈ શકે.
રાહત પેકેજ જાહેર કરી શકે છે
ભારતમાં લોકડાઉનને કારણે પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થાને સંકટમાંથી બહાર કાઢવા માટે કેન્દ્રની મોદી સરકાર બહુ જલ્દી વધુ એક મોટું રાહત પેકેજ જાહેર કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ રાહત પેકેજની જાહેરાત લોકડાઉન પૂર્ણ થાય તે પહેલા જ કરવામાં આવશે. આ રાહત પેકેજમાં ખાસ કરીને ઉદ્યોગોને વિશેષ રાહત આપવામાં આવી શકે છે. સરકારનું ધ્યાન સૌથી વધુ પ્રભાવિત સેક્ટર્સ એવા એવિએશન, રીટેલ વેપાર, ટુરીઝમ, ટુર એન્ડ ટ્રાવેલ્સ, હોટલ ઉદ્યોગ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો પર છે.
ઓછામાં ઓછા 8 લાખ કરોડ રૂપિયાની જરૂરિયાત
સીઆઇઆઇ અને એસોચૈમે ઉદ્યોગોને પુનર્જીવિત કરવા માટે સરકાર સમક્ષ મોટા પેકેજની માંગણી કરી છે. સીઆઇઆઇના મુખ્ય અર્થશાસ્ત્રી વિદિશા ગાંગુલીએ જણાવ્યું કે અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માટે ઓછામાં ઓછા 8 લાખ કરોડ રૂપિયાની જરૂરિયાત છે. બીજી તરફ એસોચૈમે 15 થી 20 લાખ કરોડના પેકેજની માંગણી કરી છે. પૂર્વ નાણાં સચિવ સુભાષચંદ્ર ગર્ગે પણ સંકેત આપ્યા હતા કે સરકારે આરબીઆઇ પાસેથી અંદાજે 5 લાખ કરોડ રૂપિયા સુધીનું કર્જ લેવું પડી શકે છે. લોકડાઉન પહેલા સરકાર ઉદ્યોગો માટે 3 લાખ કરોડનું આપી ચૂકી હતી પરંતુ લોકડાઉને ઉદ્યોગજગતની કમ્મર જ તોડી નાંખી છે.


