બેંગલુરુ,
આઈટી સેક્ટરના અગ્રણી સેનાપતિ ગોપાલક્રિશ્નને કહ્યું છે કે લોકડાઉન પૂરું થશે પછી પણ આઈટી સેક્ટરના 10 લાખથી વધુ કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ કામ કરતા હશે.તેમણે કહ્યું કે લોકડાઉનના સમયગાળામાં આ સેક્ટરે વર્ક ફ્રોમ હોમનું જે પરિવર્તન આવ્યું તેને સારી રીતે મેનેજ કરી લીધું છે.ઈન્ફોસીસના સહ-સ્થાપક અને અગાઉ સીઆઈઆઈના પ્રમુખ રહી ચૂકેલા ગોપાલક્રિશ્નને કહ્યું હતું કે આઈટી સેક્ટર માટે વર્ક ફ્રોમ હોમ એ કોઈ ત્રાસદાયક ટાસ્ક ન હતો.એવા અનેક કર્મચારીઓ છે જેઓ પોતાના ઘરમાં ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.આવા લોકોએ પરિવર્તન લાવવું પડશે અને લોકડાઉન પછી પણ ઘરેથી કામ કરવાનું રહેશે.હા,ક્લાયન્ટની મંજૂરી તેમાં જરૂરી બનશે.
તેમણે કહ્યું કે “મને માહિતી મળી છે કે ઘણી મોટી આઈટી કંપનીઓના 90થી 95 ટકા કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા છે.વળી,આ કામ ઘણી સારી રીતે અને ખૂબ જ ઝડપથી થઈ ગયું છે.મને લાગે છે કે લોકડાઉન પૂરું થશે પછી પણ આવી કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ આગળ વધશે.”ગોપાલક્રિશ્નન અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ એક્સિલરેટર અને વેન્ચર ફંડ એક્ઝિલર વેન્ચર્સના ચેરમેન પણ છે. તેમણે કહ્યું હતું કે ઘણાં ભારતીય નાના સ્ટાર્ટઅપ્સે માલૂમ કર્યું છે કે વર્ક ફ્રોમ હોમ તેમના માટે ઘણું સારું રહ્યું છે અને એટલે જ હવે કાયમી ઓફિસ સ્પેસની તેમને શા માટે જરૂર છે તેવું તેમને આશ્ચર્ય થવા લાગ્યું છે.
તેમણે ઉમેર્યું કે “આપણે(ભારતીય આઈટી સર્વિસીઝ કંપનીઓ) માટે હવે (લોકડાઉન ખૂલ પછી) બિઝનેસ રાબેતા મુજબનો રહેવાનો નથી.” તેમણે કહ્યું કે કંપનીઓ ઓફિસ સ્પેસ અંગે બે વાર વિચાર કરશે અને ભવિષ્યમાં સર્વિસીઝ કઈ રીતે પૂરી પાડવી તેનો વિચાર કરશે.ગોપાલક્રિશ્નનના મતે ઓછામાં ઓછા 20-30 ટકા આઈટી કર્મચારીઓ લોકડાઉન ઉઠાવી લેવાશે પછી પણ ઘરેથી જ કામ કરતા હશે તેવું લાગે છે અને આવા કર્મચારીઓનો આંકડો 12 લાખ લોકોનો થાય છે. નાસ્કોમના આંકડા અનુસાર ભારતીય આઈટી-બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સેક્ટરમાં 40 લાખ કર્મચારીઓ કામ કરે છે. કેટલીક કંપની તો વધુ આક્રમક બનશે.નાની કંપનીઓ તો ખાસ આવું કરશે કારણ કે તેનાથી તેમનો ઓફિસ ભાડાંનો ખાસ્સો ખર્ચ બચી જશે.
જોકે તેમણે આ સાથે કહ્યું હતું કે આઈટી સેક્ટરમાં બેરોજગારી વધશે તેવું તેમને નથી લાગતું અને નવી ભરતી પણ મોટાપાયે નહીં થાય.તેમણે આઈટી સેક્ટરમાં પગારમાં કાપનો સંકેત આપ્યો હતો. ટોચના સ્તર પર 20-25 ટકા જેવો પગાર કાપ આવશે તેમ તેમણે કહ્યું હતું.કોરોના વાયરસની અસર 12-18 મહિના રહેશે તેમ લાગે છે.આમ, આગામી એકથી દોઢ વર્ષ નવી ભરતી નહીં થાય અથવા તો ધીમી થશે.


