– તમામ ચીજવસ્તુઓના રિટેલ તથા જથ્થાબંધ ભાવ ૧ મહિનામાં ૨૦ ટકા વધી ગયા : ૧૧૪ શહેરોમાં અભ્યાસ : ટ્રાન્સપોર્ટેશન તથા ગભરાટમાં વધુ ખરીદી કારણભૂત : ખેડૂતોની માઠી દશા : લોકડાઉન હટે પછી પણ મોંઘવારી વધશે
નવી દિલ્હી તા. ૩૦ : કોરોનાને કારણે ૨૪ માર્ચે લોકડાઉનની જાહેરાત પછી છેલ્લા ૧ મહિનામાં ખાદ્યપદાર્થોના રીટેલ અને જથ્થાબંધ ભાવોમાં ૨૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે.રિઝર્વ બેંક દ્વારા મુંબઇમાં સ્થાપિત ઇન્દીરા ગાંધી ઇન્સ્ટીટયૂટ ઓફ ડેવ – રિસર્ચના સંશોધક સુધા નારાયણ તથા શ્રીસાહાએ શહેર ખાદ્યબહાર તથા ભારતમાં લોકડાઉન નામથી પ્રકાશિત અભ્યાસમાં દેશના ૧૧૪ શહેરોમાં ૨૨ વસ્તુઓના જથ્થાબંધ તથા રીટેલ ભાવનો અભ્યાસ કરી આ તારણ કાઢયું છે.
અભ્યાસ અનુસાર ટમેટાના ભાવ ૨૮ ટકા સુધી બટેટાના ભાવ ૧૫ ટકા સુધી અનેક પ્રકારની દાળના ભાવ ૬ ટકા સુધી અને ખાદ્યતેલના ભાવમાં ૩.૫ ટકાનો વધારો થયો છે.અભ્યાસમાં જણાવાયું છે કે, આવશ્યક વસ્તુઓ અંગે સ્પષ્ટ દિશાનિર્દેશો છતાં નોકરશાહીએ ખાદ્ય સુરક્ષાને બદલે લોકડાઉન તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.સંશોધનકારોનું કહેવું છે કે, આ ભાવોએ ૨૦૨૦ના શરૂઆતના ટ્રેન્ડને બદલી નાખ્યો છે.હવે સંજોગો એવા છે કે હજુ ભાવો વધશે. મુખ્ય કારણ પરિવહનની અડચણ છે.રેસ્ટોરન્ટ બંધ હોવાથી માંગ ઘટી છે પણ ગભરાટમાં ખરીદીને કારણે માંગ વધી છે.માંગ વધતા ભાવ નથી વધ્યા પણ પુરવઠો બાધિત થતાં આવું થયું છે જે ચીજો વ્હેલી ખરાબ થઇ જાય તેના ભાવ વધ્યા છે.જેમકે ટમેટા, લોટ-ઘઉંના ભાવ મામુલી વધ્યા છે. અભ્યાસ મુજબ નાના શહેરોમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધુ વધ્યા છે.
સંશોધનકારોનું કહેવું છે કે, રાજ્યોની સરહદો બંધ હોવાથી ફળ – શાકભાજી ઉગાડનાર ખેડૂતોને મોટું નુકસાન થયું છે.સંશોધનકારોનું કહેવું છે કે, ભાવો હજુ વધશે.કોરોના બાદ લાગેલા લોકડાઉનને એક મહિનાથી વધુ થઇ ગયો છે અને એની અસર હવે બજારો પર જોવા મળી રહી છે.હાલના સંજોગોમાં શાકભાજીના ભાવમાં જે રીતે ભડકો થઇ રહ્યો છે તે વેપારીઓ દ્વારા કૃત્રિમ ભાવવધારો કરાયાનું સૂચવે છે અને લોકડાઉન વચ્ચે લોકો લૂંટાઇ રહ્યાનો એકસાસ કરી રહ્યા છે.લોકડાઉન દરમિયાન શાકભાજીની ખરીદી પર લોકોએ સલામતીના ભાગરૂપે કાપ મૂકી દીધો છે.પરંતુ અઠવાડિયામાં બે – ત્રણ વાર લીલું શાહ ખાવા ખરીદી કરવા જતાં નાગરિકોએ બેથી ત્રણ ગણા ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે.હોલસેલ બજારોમાં જે શાક રૂ. ૩૦ કે ૪૦ કિલોના હિસાબે વેચાઇ રહ્યું છે એના માટે છૂટક વેપારીઓ રૂ. ૧૦૦ સુધી વસૂલી રહ્યા છે.ખાસ કરીને ચોળી, ગુવાર અને ગીલોડાના ભાવ તો રૂ. ૧૦૦ અથવા તેથી પણ વધુ થઇ ગયા છે.નાગરિકોને સરેઆમ લૂંટવામાં આવી રહ્યા હોવાથી હવે કોઇ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા નાગરિકો માગ કરી રહ્યા છે.

