– રાઇટ્સ ઇસ્યૂ ~1,257ના ભાવે 15:1ના રેશિયોમાં રહેશે, ~53,125 કરોડ ઊભા કરશે, ~6.50 ડિવિડંડની ભલામણ કરાઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ 2020ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસની નબળી કામગીરીને કારણે ચોખ્ખો નફો 37 ટકા ઘટીને ~6,348 કરોડનો થયો હતો. કંપનીનો જાન્યુઆરી-માર્ચ 2019ના ગાળામાં ચોખ્ખો નફો ~10,362 કરોડનો થયો હતો. વધુમાં કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રાઇટ્સ ઇસ્યૂને મંજૂરી આપી હતી જે દરેક 15 શેરે એક શેરના ધોરણે (15:1ના રેશિયો) ઓફર કરાશે અને તેની કિંમત શેરદીઠ ~1,257 રહેશે. કંપની રાઇટ્સ ઇસ્યૂ દ્વારા ~53,125 કરોડ ઊભા કરવાનો લંક્ષ્યાક રાખે છે. દરમિયાન કંપનીની ચોથા ત્રિમાસિક ગાળામાં રેવેન્યૂ 2.5 ટકા ઘટીને ~151,209 કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ~155,151 કરોડ હતી. કંપનીની રેવેન્યૂ ત્રિમાસિક ધોરણે 10.6 ટકા ઘટી હતી. ત્રિમાસિક ગાળામાં ઇબીઆઇટીડીએ 7.6 ટકા વધીને ~25,886 કરોડની રહી હતી. જ્યારે કરવેરા પૂર્વેનો નફો 2.7 ટકા ઘટીને ~13,490 કરોડનો રહ્યો હતો. આ ગાળામાં કેશ નફો 12.8 ટકા વધીને ~18,813 કરોડનો થયો હતો.
કંપનીનો પૂરા થયેલા નાણાં વર્ષ દરમિયાન ચોખ્ખો નફો 0.1 ટકા વધીને ~39,880 કરોડનો થયો હતો જે આગલા વર્ષે ~39,837 કરોડ હતો. જ્યારે વર્ષ દરમિયાન રેવેન્યૂ 5.4 ટકા વધીને ~659,205 કરોડની થઈ હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં ~625,205 કરોડ હતી. વર્ષ દરમિયાન ઇબીઆઇટીડીએ 10.4 ટકા વધીને ~102,280 કરોડ રહી હતી જે વર્ષ અગાઉ ~92,656 કરોડ હતી. કંપનીએ માર્ચ 2020ને અંતે પૂરા થયેલા વર્ષ માટે ~6.50 ડિવિંડડની ભલામણ કરી હતી. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, દેશ અને વિશ્વ હાલ કોવિડ-19ની આપણા સમયની સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
રિલાન્યસ દ્વારા આ પડકારનો જે રીતે સામનો કરવામાં આવી રહ્યો છે તેનાથી મને ગર્વ છે. માનવીના જીવન સિવાય આ દુનિયામાં સૌથી વધુ મહત્ત્વનું કોઈ બાબતનું નથી. વૈશ્વિક પડકારો વચ્ચે પણ કંપનીએ નાણાં વર્ષ 2019-20માં ફરીથી સ્થિર કામગીરી દર્શાવી છે. અમે કન્ઝુયમર બિઝનેસ અને નવા સાહસોમાં રોકાણને જાળવી રાખવા કટીબધ્ધ છીયે. અમે ભાવિ વિશાળ તકોને જોઈ રહ્યા છીયે અને રાઇટ્સ ઇસ્યૂ અને ઇક્વિટી કામકાજથી રિલાયન્સની સ્થિતિ વધુ મજબૂત થશે તેમજ અમારા રોકાણકારોની વેલ્યૂમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે.


