રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૩૮.૪૬ સામે ૬૦૩૬૦.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૮૮૧.૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૯.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૦૨૯.૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૦૮.૪૫ સામે ૧૮૦૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૬૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૨૨.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ સંવત ૨૦૭૬ પૂરું થઈ રહ્યું હોઈ ભારતીય શેરબજારમાં હોલી – ડેની તૈયારી વચ્ચે ટૂંકા સપ્તાહમાં આજે ફંડો, મહારથીઓએ નિફટી, સેન્સેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે ઉછાળે ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખીને આજે મેટલ, એનર્જી, બેઝિક મટિરિયલ્સ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યા સાથે ઓઇલ એન્ડ ગેસ અને હેલ્થકેર – ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સતત વેચવાલી કરી હતી. અલબત રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ અવિરત પસંદગીની તેજી કરતાં બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો પચાવાતો જોવાયો હતો.
વૈશ્વિક મોરચે યુરોપના દેશો યુ.કે. સાથે રશિયા સહિતમાં કોરોના કેસો ફરી વધતાં અને ચાઈનામાં પણ કોરોનાના ફરી ઉપદ્રવના અહેવાલોએ ચિંતા સાથે વૈશ્વિક આર્થિક ચિંતા વધતાં અને ઘરઆંગણે ફુગાવો – મોંઘવારીમાં સતત વધારા સાથે અરામકો દ્વારા વિશ્વની ઓઈલ પુરાંત ઝડપી ઘટી રહ્યાના નિવેદન બાદ હવે અમેરિકાએ ઓપેક દેશોને તેમની ૪,નવેમ્બરની મીટિંગ પૂર્વે ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવા વિનંતી કરતાં આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવોમાં નરમાઈ તરફી રૂખ રહી હતી. સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા રેકોર્ડ ભાવને પરિણામે આગામી દિવસોમાં ઔદ્યોગિક, આર્થિક વિકાસ રૂંધાવાની ચિંતાએ પણ બજાર પર અસર વચ્ચે ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે રાખીને ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એફએમસીજી, આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૪ અને વધનારની સંખ્યા ૧૯૫૯ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, સમાપ્ત થયેલા ઓકટોબર માસમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ રહી છે. ઓકટોબરમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન ક્ષેત્રનો આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૫૩.૭૦ હતો તે ઓકટોબરમાં વધી ૫૫.૯૦ રહ્યો છે. વર્તમાન વર્ષના ફેબ્રુઆરી બાદ આ આંક સૌથી ઊંચો છે. માગમાં સુધારો થવાની અપેક્ષાએ કંપનીઓએ સ્ટોકસ કરવા કાચા માલની ખરીદી વધારી દીધી હતી. સમાપ્ત થયેલા મહિનામાં વેપાર આશાવાદ પણ વધીને ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.
સ્ટોકસ ઊભા કરીને કંપનીઓ માગમાં સૂચિત વધારાને પહોંચી વળવા સજ્જ થઈ રહી છે, ત્યારે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો થશે તેમ જણાઈ રહ્યું હોવાનું આઈએચએસ માર્કિટ ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. જો કે કોરોના ફરી માથું નહીં ઊંચકે તો જ આ વધારો જોવા મળી શકશે. ઓકટોબરમાં કાચા માલના ભાવ એકંદરે વધીને ૯૨ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. કેમિકલ, ફેબ્રિક, ઓઈલ, પ્લાસ્ટિક જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે અને પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છે. કાચા માલના ભાવ વધતા કંપનીઓએ કિંમતો વધારવાની ફરજ પડી રહી છે.