નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જળસંચય ક્ષમતા વધે એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યું છે. જેને રાજ્યમાં વ્યાપાક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જનભાગીદારી થકી યોજાતા આ કાર્યક્રમમાં ઉનાળામાં તળાવો ઊંડા કરવાથી માંડીને કાંપની સફાઈ, ચેકડેમોનું ડિસિલિંગ જેવા કામો હાથ ધરાય છે. જેના લીધે પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન થયું છે.
આજે વિધાનસભા ખાતે ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં તળાવો ઊંડા કરવા અને નવા તળાવો બનાવવા અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, રાજ્યના ઈતિહાસમાં જળ અભિયાનના જન આંદોલનનું નવું સફળ પ્રકરણ આ અભિયાનથી યોજાયું છે. બે વર્ષમાં આ અભિયાન થકી જળસંચય ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ રોજગારી પણ મળી છે. ખેડા જિલ્લામાં બે વર્ષમાં 403 તળાવો રૂ. 41.63 લાખના ખર્ચે ઊંડા કરાયાં છે. એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમિયાન જળસંપત્તિ ભાગ દ્વારા 253 તળાવો રૂ. 272.27 લાખના ખર્ચે ઊંડા કરાયા છે. તળાવો ઊંડા કરવાથી 57.09 MCFT પાણીના જથ્થાનો સંગ્રહ વધશે અને 519 હેકટર વિસ્તારમાં પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લો એક દુષ્કાળગ્રસ્ત જિલ્લા તરીકે ઓળખાતો હતો પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સમયબદ્ધ આયોજનના પરિણામે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ ભૂતકાળ બની ગયેલો છે બનાસકાંઠા જિલ્લાને નર્મદા યોજના દ્વારા કમાન્ડ વિસ્તારના નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એ જ રીતે સુજલામ સુફલામ કેનાલનું 350 કિલોમીટરની કેનાલ નેટવર્ક ઉભું કરાયું છે, જે 8 જિલ્લામાંથી પસાર થઈને છેક સરહદી વિસ્તાર સૂધી કડાણા ડેમમાંથી અને દરિયાનું વહી જતું પાણી સુજલામ સુફલામ કેનાલ દ્વારા વહેવડાવીને પિયતની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તદુપરાંત સ્થાનિક કક્ષાની નાની નાની સિંચાઇ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં તળાવો ઊંડા કરવાના અન્ય એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 623.24 લાખના ખર્ચે 398 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છ તાલુકામાં તળાવ ઊંડા કર્યા છે, જેના પરિણામે 15 MCFT જળ સંગ્રહશક્તિ વધી છે. તળાવો ઊંડા કરવાને કારણે જળસંગ્રહ તો વધે છે સાથોસાથ વરસાદી પાણીથી ગામને થતું નુકસાન અટકે છે તથા તળાવ ઊંડા કરવાથી જે માટી નીકળે છે એ પણ અત્યંત ફળદ્રુપ હોય છે જે ખેડૂત ખેતરમાં નાખે છે અને ઉત્પાદકતા વધે છે.
તેમણે ઉમેર્યું કે સુજલામ સુફલામ પાઇપલાઇન રાજ્યમાં જ્યાંથી પસાર થાય છે તેની બે કિમી નજીક વિસ્તારના તળાવ ભરવાની માંગ આવે તો તે પણ નર્મદાના નીરથી ખેડૂતોના હિત માટે ભરવામાં આવે છે. નવા તળાવ નિર્માણ માટેની પ્રક્રિયા ખૂબ લાંબી છે અને તેમાં પણ વ્યાપક જનહિત હોય અને પાણીનો આવરો હોય તો સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ કલેકટર દ્વારા મંજુરી પણ આપવામાં આવે છે.