અમેરિકામાં કોરોનાનો કાળો કહેર : 24 કલાકમાં 1900નાં મોત

312

અમેરિકામાં કોરોનાનો કહેર બહુ જ ઝડપી વધી રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1900થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.

અમેરિકામાં કોરોનાનો કહેર બહુ જ ઝડપી વધી રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1900થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. અમેરિકામાં કોરોનાના નવા 33 હજારથી વધુ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ ચાર લાખને પાર થઈ ગયા છે. યુએસમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 12 હજાર 800ને પાર પહોંચી ગયો છે. અમેરિકાનું ન્યૂયોર્કએ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે.

અમેરિકામાં નોંધાયેલા કુલ ચાર લાખ પોઝિટિવ કેસમાંથી ન્યુયોર્કમાં જ એક લાખ 42 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ન્યૂયોર્કમાં મૃત્યુઆંક પાંચ હજાર ચારસોને પાર પહોંચ્યો છે. શબ દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા પણ બચી નથી. ન્યૂયોર્ક શહેરની મુખ્ય મેડિકલ પરીક્ષણ ઓફિસની બહાર એક અસ્થાયી કબ્રસ્તાન બનાવ્યું છે. અધિકારી શબોને જાહેર સ્થળોએ અસ્થાયી રીતે દફનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ થાળે પડશે તો યોગ્ય સ્થળે દફનાવાશે.

યુકેમાં કોરોના પોઝિટિવ આવતાં વડાપ્રધાન બોરીસ જોહ્ન્સનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસને કારણે યુરોપ અને અમેરિકા સહિત વિશ્વભરમાં 81 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. કોવિડ -19ને કારણે અડધુ વિશ્વ કોઈને કોઈ પ્રકારે લોકડાઉનનો સામનો કરી રહ્યું છે. આ ઘાતક કોરોના વાયરસે વિશ્વવ્યાપી અર્થવ્યવસ્થાને ભારે અસર કરી છે.

યુ.એસ.ના સૌથી અસરગ્રસ્ત ન્યુયોર્ક રાજ્યમાં મૃત્યુ દર ધીમો પડી ગયો હોય તેવું લાગે છે. જોકે, રાજ્યના રાજ્યપાલ એન્ડ્ર્યુ કુઓમોએ કહ્યું છે કે, આ બેદરકારીનો સમય નથી. મેયર બિલ ડી બ્લેસિઓએ કહ્યું છે કે, ન્યૂયોર્ક સિટી તેની સામે લડી રહ્યું છે. આપણો દુશ્મન અદ્રશ્ય છે. અમારો દુશ્મન ક્રૂર છે પરંતુ આ શહેર લડી રહ્યું છે.

Share Now