દહેરાદૂન,તા.25. ડિસેમ્બર,શનિવાર : ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની જેમ ભાજપમાં પણ ડખા શરુ થયા છે.શુક્રવારે પાર્ટીમાં ઘમાસાણ મચ્યુ હતુ અને રાજ્ય સરકારના મંત્રી હરકસિંહ રાવતે રાજીનામુ આપી દીધુ હતુ.જેના પગલે ભાજપના હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ શરુ કર્યુ હતુ.જોકે હવે હરક રાવતને મનાવી લેવાયા છે.
હરક રાવત ભાજપને નુકસાન કરી શકે તેમ હોવાના કારણે ભાજપની ટોચની નેતાગીરી તેમને મનાવવા માટે એક્ટિવ થઈ ગઈ હતી.મીડિયા રિપોર્ટ પ્રમાણે સીએમ પુષ્કર સિંહ ધામીની કેબિનેટ બેઠકમાં જ હરક સિંહ નારાજ થઈ ગયા હતા અને તેમણે રાજીનામુ આપવાની વાત કરીને બેઠક છોડી દીધી હતી.
હરક સિંહની નારાજગીનુ કારણ એ હતુ કે,જે મેડિકલ કોલેજ બનાવવા માટે તેઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા તેના પ્રસ્તાવને કેબિનેટમાં ફગાવી દેવાયો હતો.એ પછી રાવતે એમ પણ કહ્યુ હતુ કે,પાર્ટીની અંદર મને ભીખારી બનાવી દેવાયો છે અને આ સંજોગોમાં હું પાર્ટીમાં કામ કરી શકે તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, 2016માં હરકે કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડયો હતો.