– સમુદાયના સદસ્યોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે,મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ તેમના સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે
નવી દિલ્હી,તા.24જાન્યુઆરી,સોમવાર : ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીઓ કોઈ પણ જાતની કસર નથી છોડવા માગતી.તેના અંતર્ગત RSS સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (MRM) ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સંગઠનોને જોડવાની પહેલ કરી રહી છે.સંઘની મુસ્લિમ શાખાએ તેના અંતર્ગત ઉત્તર પ્રદેશના 3 જિલ્લાઓમાં જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે સમુદાયનું સમર્થન મેળવવા માટે મુસ્લિમ મૌલવીઓ અને વિદ્વાનો સાથે બેઠક કરવામાં આવી હતી.
એજન્સીના અહેવાલ પ્રમાણે બેઠક દરમિયાન મુસ્લિમ સમુદાયના સદસ્યોએ ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ‘ધર્મ સંસદ’માં કરવામાં આવેલી ટિપ્પણીઓનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે જ તેને ચિંતાજનક ગણાવ્યું હતું.મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મીડિયા પ્રભારી શાહિદ સઈદના કહેવા પ્રમાણે તેમણે જામા મસ્જિદના મૌલાના,કાજી અને મુસ્લિમ બુદ્ધીજીવીઓ સાથે સમુદાયના સદસ્યોની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે વાત કરી હતી.
સંઘને ધર્મ સંસદ સાથે કોઈ સંબંધ નહીં
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કહેવા પ્રમાણે પદાધિકારીઓને લાગ્યું કે,ધર્મ સંસદમાં જે પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે યોગ્ય નથી.સંગઠનના મતે સરકાર અને સંઘને આવી ધર્મ સંસદ સાથે કશું લાગતું વળગતું નથી.બેઠકમાં મુસ્લિમ સમુદાયના લોકોને એમ પણ કહેવામાં આવ્યું કે,મંચ આવા લોકોનું સમર્થન નથી કરતું.તેઓ એમની ટિપ્પણીની આકરી નિંદા કરે છે.
મુસ્લિમ સમાજની મહિલાઓના શિક્ષણ પર ભાર
મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની બેઠકમાં મુસ્લિમ સમાજની મહિલાઓના શિક્ષણ,સ્વસ્થ્ય,સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ગંભીર ચર્ચાઓ થઈ હતી.એજન્સીના કહેવા પ્રમાણે સમુદાયના સદસ્યોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે,મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ચૂંટણી સમાપ્ત થયા બાદ પણ તેમના સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે.
અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાં અભિયાન
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ની 10 સદસ્યો ધરાવતી ટીમે અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાં અભિયાન ચલાવ્યું હતું.મુસ્લિમ રાષ્ટ્રીય મંચના રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ અખ્તર,સંગઠનના મદરેસા સેલના પ્રમુખ મજહર ખાન અને ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષ બિલાલ ઉર રહમાને અભિયાનમાં સામેલ લોકો સાથે ચર્ચા કરી હતી.