હિજાબ વિવાદ : કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી અગાઉ અજંપાભરી શાંતિ

482

– દેશની હાલની સૌથી ચર્ચાસ્પદ ઘટના
– ઉડુપીની સ્કૂલો આસપાસ કલમ 144 લાગુ કોલેજોની રજા 15 ફેબુ્રઆરી સુધી લંબાવાઈ

બેંગલુરૂ : દેશભરમાં જેના પડઘા પડી રહ્યા છે તેવા કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદ વિશે સોમવારે બેંગલુરૂમાં કર્ણાટક હાઈ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે ત્યારે રાજ્યમાં ભારેલો અગ્નિ છે.સરકારે ઉડુપીની સ્કૂલોના 200 મીટર આસપાસના વિસ્તારમાં ધારા 144 લાગુ કરી છે જે સોમવારથી અમલમાં આવશે અને 19 ફેબુ્રઆરી સુધી જારી રહેશે.જ્યારે કોલેજોની રજા 15મી ફેબુ્રઆરી સુધી લંબાવવામાં આવી છે.

સોમવારે કર્ણાટક હાઈ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે પણ કોર્ટે વચગાળાના આદેશ તરીકે વિદ્યાર્થીઓને કોલેજો અને સ્કૂલોમાં ધાર્મિક વેશભૂષા ધારણ કરીને જવાની મનાઈ કરીને સરકારને સ્કૂલો શરૂ કરવાનો આદેશ આપતા કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઈએ દસમા ધોરણ સુધીની સ્કૂલો શરૂ કરવાની સૂચના આપી દીધી છે.

ઉપરાંત શહેરના ડીસી,પીસી અને સ્કૂલ પ્રશાસનને શાંતિ કમિટી બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.બીજી તરફ કર્ણાટક પોલીસે દક્ષિણ કન્નાડા અને ઉડુપી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી છે.

જો કે કેટલાક વિસ્તારોમાં તંગ પરિસ્થિતિ છે.કેટલાક એવા પ્રકારના વીડિયો પણ વાયરલ થયા છે જેના કારણે તનાવમાં વધારો થયો છે.એક વીડિયોમાં કેટલાક હિન્દુ છોકરાઓ કેસરી શાલ ઓઢીને જતા દેખાય છે અને તેમના પર કેટલાક લોકો પાણી ફેંકે છે.વળી કેટલાક વીડિયોમાં મુસ્લિમ છોકરાઓ સ્કૂલોમાં નમાઝ પઢતા દેખાય છે.

આ સ્કૂલો દક્ષિણ કન્નાડા વિસ્તારમાં આવી હોવાનું જણાતા શિક્ષણ વિભાગે આ સ્કૂલોની મુલાકાત લઈને અહેવાલ આપવા જણાવ્યું છે.દેશભરમાં મુસ્લિમ મહિલાઓ બુરખો પહેરીને પ્રદર્શન યોજી રહી હોય તેવા વીડિયો વાયરલ થતા વાતાવરણ વધુ તંગ બની રહ્યું છે.સોમવારથી કર્ણાટક વિધાનસભાનું સંયુક્ત સત્ર પણ યોજાશે જેમાં હિજાબ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે ઉગ્ર ચર્ચા થવાની શક્યતા છે.

Share Now