સુરતમાં ભરાતા અઠવાડિક બજાર બંધ, ગાર્ડન પણ બંધ કરાયા

335

– જાહેર સ્થળોએ લોકો ઓછા ભેગા થાય તેવો પ્રયાસ
– ગાર્ડન બંધ કરવાનો મેસેજ રાત્રે મોડો આવ્યો હોવાથી સવારે ગાર્ડન ખુલ્યા પણ 9:00 વાગ્યે શહેરના તમામ ગાર્ડન બંધ કરાવી દેવાયા
સુરત, તા. 20 માર્ચ 2020, શુક્રવાર

વિદેશથી આવેલી યુવતીમાં કોરોનોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સુરત મ્યુનિ.એ જાહેર સ્થળોએ લોકો વધુ ભેગા ન થાય તે માટેના પ્રયાસ શરૂ કરી દીધા છે. ગઈકાલે રાત્રે જ મ્યુનિ. તંત્રએ મોલ બંધ કરી દેવા આદેશ આપ્યા હતા. તો આજે સવારે સુરતના જુદા- જુદા વિસ્તારમાં ભરાતા અઠવાડિક બજાર( હાટ) બંધ કરવા માટેની જાહેરાત કરી દીધી છે.

સુરતની 21 વર્ષીય યુવતીમાં કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ મ્યુનિ. તંત્ર એક્શમાં આવી ગયું છે. મ્યુનિ. તંત્રએ ગઈકાલે મોડી રાત્રીએ મોલ અને ગાર્ડન બંધ કરી દેવાની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી હતી. આ સાથે જ સુરતમાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસમાં વિદેશી કે સુરત બહારના લોકોને રાખવામા આવે નહીં તેવી પણ સુચના બહાર પાડી દીધી હતી. ગાર્ડન બંધ રાખવાની સુચના મોડી હોવાથી વહેલી સવારે 6:00 વાગ્યે ખુલતા ગાર્ડન રાબેતા મુજબ ખુલી ગયાં અને લોકો પણ આવ્યા હતા. જોકે, સવારે 9:00 વાગ્યે ગાર્ડન ખુલ્લા હોવાની વાત તંત્રને મળતાં તાત્કાલિક ધોરણે ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યા હતા.
કોરોનાની સ્થિતિને પગલે સુરત મ્યુનિ. તંત્રએ વધુ તકેદારીના પગલાં ભરવાના ભાગરૂપે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં અઠવાડિક બજાર ભરાય છે તેને બંધ કરવા માટે પણ આદેશ આપ્યો છે. સાપ્તાહિક બજાર અંગે મ્યુનિ. તંત્રએ જાહેરનામું બહાર પાડીને કહ્યું છે કે, સુરત મ્યુનિ. વિસ્તારમાં સોમવારી, મંગળવારી, ગુરૂવારી અને રવિવારી જેવા બજાર ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય આ બજાર બંધ કરાવવા માટે આદેશ આપવામા આવ્યા છે. આવા પ્રકારના અઠવાડિક બજાર 31 માર્ચ સુધી ભરી શકાશે નહીં. જોકે, શહેરના મુખ્ય રસ્તાઓ ચાલુ રહેશે તેવી પણ સ્પષ્ટતા મ્યુનિ. તંત્રએ કરી છે.

Share Now