બોટાદના તરઘરામાં મૂર્તિ પ્રતિષ્ઠા વેળા 3 વર્લ્ડ રેકોર્ડઝ સર્જાયા

212

બોટાદ : બોટાદ તાલુકાના તરઘરા ખાતે મોગલધામના પાવન પરિસરમાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠાના સાત દિવસીય મહોત્સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ અવસરે ત્રણ વર્લ્ડ રેકોર્ડઝ સર્જાયા હતા.તરઘરામાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે રવિવારે સવારે મોગલ માતાજી, મેલડી માતાજી, અંબાજી માતાજી અને દક્ષેશ્વર મહાદેવના મંદિરમાં શિવ પંચાયતની મૂર્તિઓની શાસ્ત્રોકત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.બાદ મહાઆરતી કરાઈ હતી.બપોરે ધર્મસભા યોજાઈ હતી.જેમાં ગોહિલવાડના સંતો, મહંતો, રાજકીય અને સામાજીક આગેવાનો તેમજ મોટી સંખ્યામા માઈભકતો ઉમટી પડયા હતા.રાત્રી દરમિયાન ખ્યાતનામ કલાકારોનો આઈ આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો.મહોત્સવના સાતેય દિવસ દરમિયાન સમગ્ર પંથકમાંથી અનેક સંતો, મહંતો, વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે એ ઉલ્લેખનીય છે કે, મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરે મોગલમાના સાનિધ્યમાં ત્રણ વર્લ્ડ રેકોર્ડઝ સર્જાયા હતા.જેમાં આઈ મોગલમાને ૧૧૧ ફૂટના ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો.મોગલ માના મંદિરના પરિસરમાં ૨૪.૯૨ ફૂટની તલવાર અર્પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત સાત દિવસીય ચાલેલ શતચંડી યજ્ઞાશાળાની એક જ દિવસમાં ૬૦૦૦ લોકોએ પ્રદક્ષિણા કરીને વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

Share Now