યશવંતરાય નાટયગૃહ રિપેરીંગની ગ્રાન્ટ મંજુર કરાઇ હોવા છતાં ટેન્ડરીંગ હજુ બાકી

264

ભાવનગર : શહેરની મધ્યમાં આવેલ કલા રસિકો માટે મહત્વનું સ્થાન ધરાવતું યશવંતરાય નાટયગૃહ રિનોવેશન બાદ વાવાઝોડામાં થયેલ નુકસાની અને આંતરિક ખામીઓને કારણે છેલ્લા બે વર્ષથી બંધ હોય જેના રિપેરીંગ માટે પણ અનેક રજૂઆત બાદ ૯૨ લાખને મંજુરી મળી હતી જેમાના ૫૦ લાખ જમા અપાયા બાદ પણ હાલ ટેન્ડરીંગ પ્રક્રિયા બાકી હોવાનું જણાયું છે.

ખીસ્સાને પરવડે તેવું કલા રસિકો માટેનું યશવંતરાય નાટયગૃહને પુનઃ ધમધમતું કરવા કલાકારો દ્વારા દર વખતે રજૂઆતો અને લાંબા સમયની મંજીલ કાપવી પડે છે.અગાઉના કાર્યકાળમાં અનેક જગ્યાએથી ક્ષતિગ્રસ્ત બન્યા બાદ લાખોના ખર્ચે નવો લુક અને ઓપ અપાયો હતો. જો કે ત્યારબાદ ટૂંકા સમયગાળામાં જ છત પરથી પાણી પડવું, સિલીંગ ઉખડી જવી વગેરે ક્ષતિઓ થવા લાગી જે દરમિયાન ટૌટે વાવાઝોડાએ ખાના-ખરાબી સર્જી કંપાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ વગેરેને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.જેના રિપેરીંગ માટે સ્થાનિક કચેરી દ્વારા દરખાસ્તો મોકલાઇ અને કલાકારોએ રજૂઆતો પણ કરી છતાં આ ફાઇલ અભેરાઇ પર ચડાવી દેવાઇ હતી.જે કલાકારોએ રૂબરૂ જઇ ઉતરાવી અને ૯૨ લાખની મંજુરી સ્થાનિક રાજકીય આગેવાનોને લઇ મળી હતી.જેમાની ૫૦ લાખની રકમ પી.ડબલ્યુ.ડી.ને જમા પણ આપી દેવાઇ હતી.જો કે, આ ઘટનાક્રમ બાદ કલા જગતમાં યશવંતરાયના જીવંત દ્રશ્યોની આશા બંધાઇ હતી.પરંતુ આ વાતને પણ આજે બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં ટેન્ડરીંગ પ્રક્રિયા થઇ શકી નથી.જે અંગે પી.ડબલ્યુ.ડી.ના સુત્રોને પુછતા અગાઉ એસ.ઓ.આર.માં ૧૨ ટકા જી.એસ.ટી. લગાવાયો હતો જેમાં ફેરફાર આવતા ૧૮ ટકા કરાતા ફરી એસ.ઓ.આર. કરવાવવો પડયો છે જેની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે અને સંભવિત એકાદ અઠવાડીયા બાદ ટેન્ડર બહાર પાડી દેવામાં આવશે. જો કે, ટેન્ડર બહાર પડયા બાદ પણ વહિવટી મંજુરી મળ્યે વર્ક ઓર્ડરમાં પણ ૨૫ દિવસ જેટલો સમય લાગે તેવું જણાયું છે.આમ વહિવટી પ્રક્રિયામાં ખાસ્સો સમય વેડફાઇ રહ્યો છે. જો કે, હાલના રિપેરીંગનું ટેન્ડર પણ કોઇ સારી અને નિષ્ઠાવાન એજન્સીને અપાય તેવું કલા રસિકો ઇચ્છી રહ્યા છે જેથી સરકારી નાણાનો વેડફાટ ન થાય અને જે કાઇ નવી સુવિધા ઉભી કરાય તે લાંબા સમય સુધી ટકી રહે અન્યથા દળી દળીને ઢાંકણીમાં જેવો ઘાટ ઘડાશે.

Share Now