કોર્પોરેટ જગતે અગ્નિપથને આવકારીઃ યોજનાને યુવાનો માટે લાભદાયી ગણાવી

119

નવી દિલ્હી : સરકાર દ્વારા સૈન્યમાં ભરતી માટે રજૂ કરાયેલી‘અગ્નિપથ’યોજનાનો દેશના કેટલાંક રાજ્યોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે,તો બીજી તરફ કોર્પોરેટ જગતે આ યોજનાને યુવાનો અને દેશ માટે લાભદાયી ગણાવી તેને ભરપૂર સમર્થન આપ્યું છે.ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રસેકરન,મહિન્દ્રા જૂથના ચેરમેન આનંદ મહિન્દ્રા,આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોયન્કા અને બાયોકોનના ચેરપર્સન કિરણ મઝુમદાર-શો સહિતના ઉદ્યોગપતિઓએ સોમવારે જણાવ્યું હતું કે,આ યોજના કોર્પોરેટ ક્ષેત્રે યુવાઓની રોજગારી માટે પુષ્કળ સંભાવના ધરાવે છે.

આનંદ મહિન્દ્રાએ યોજના હેઠળ તાલીમ પામેલા યુવાઓને રોજગારી આપવાની તકને આવકારી હતી.ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રસેકરને કહ્યું હતું કે,“યોજનાથી યુવાઓને લશ્કરની સેવાનો મોકો મળશે. ઉપરાંત,તેને લીધે ટાટા જૂથ સહિત સમગ્ર ઉદ્યોગ જગત માટે શિસ્તબદ્ધ અને તાલીમ પામેલા યુવાનો તૈયાર થશે.”મહિન્દ્રાએ જણાવ્યું હતું કે,“કોર્પોરેટ ક્ષેત્રમાં‘અગ્નિવીર’માટે રોજગારીની પુષ્કળ સંભાવના છે.” મહિન્દ્રાએ ટિ્વટ કર્યું હતું કે,“અગ્નિપથ યોજનાને પગલે થયેલી હિંસાથી નિરાશ છું.

ગયા વર્ષે આ યોજનાની વિચારણા થઈ ત્યારે મેં કહ્યું હતું કે ‘અગ્નિવીર’ જે શિસ્ત અને કુશળતા પ્રાપ્ત કરશે તે તેમને રોજગારી માટે અત્યંત કાર્યક્ષમ બનાવશે.આરપીજી એન્ટરપ્રાઇઝના હર્ષ ગોયન્કાએ જણાવ્યું હતું કે,“આરપીજી ગ્રૂપ પણ ‘અગ્નિવીર’ને રોજગારી આપવાની તકને આવકારે છે. મને આશા છે કે અન્ય કંપનીઓ પણ અમારી સાથે આ પ્રતિબદ્ધતા પૂરી પાડશે.” અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ એમડી સંગીતા રેડ્ડી અને ટીવીએસ મોટરના એમડી સુદર્શન વેણુએ પણ‘અગ્નિપથ’ યોજનાને ટેકો આપ્યો હતો.

Share Now