લોકસભા ચૂંટણીને જોતા CR પાટીલને પ્રમોશન મળવાની ચર્ચા : ગુજરાતના નવા ચીફ કોણ બનશે ?

159

લોકસભા ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવામાં લાગેલા ભાજપમાં આ મહિનાના અંતે અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.પાર્ટીની 16-17 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ સંગઠનમાં ફેરફાર સાથે મંત્રી પરિષદમાં પણ ફેરફારની અટકળો છે.મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં ફક્ત એકવાર જ વિસ્તરણ અને ફેરબદલ થયો છે.

આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીને જોતા વધુ એક વિસ્તારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.આ મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે.મહિનાના અંતમાં સંસદમાં બજેટ સત્ર શરૂ થશે.આગામી વર્ષે લોકસભા ચૂંટણીને જોતા આ વખતનું બજેટ ચૂંટણીની દ્રષ્ટિએ ખુબ મહત્વનું રહેશે.તેમાં થનારી જાહેરાતો પર બધાની નજર રહેશે. આ બધા વચ્ચે સરકારને પણ નવું સ્વરૂપ અપાય તેવી પૂરેપૂરી સંભાવના છે.સામાજિક અને રાજનીતિક સમીકરણોની સાથે વિભિન્ન રાજ્યો અને વર્ગોના પ્રતનિધિત્વને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી પોતાની સરકારમાં અનેક નવા ચહેરાને જગ્યા આપી શકે છે.કેટલાકને હટાવવામાં પણ આવી શકે છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ બજેટ સત્ર શરૂ થતા પહેલા આ અંગે વિચાર થઈ શકે છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા અને દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં હારના મિક્સ પરિણામોને જોતા ફેરબદલની સંભાવના જતાવવામાં આવી રહી છે.આ સાથે જ કર્ણાટક,રાજસ્થાન,મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં રાજનીતિક જરૂરિયાતો મુજબ પણ ફેરફાર થઈ શકે છે.ફેરબદલ હોવાની સ્થિતિમાં જેડીયુ અને શિવસેનાના કોટામાંથી મંત્રી રહી ચૂકેલા નેતાઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓને નવા સહયોગીઓથી ભરવામાં આવી શકે છે.તેમાં એકનાથ શિંદે નેતૃત્વવાળા શિવસેના જૂથને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા છે.ચિરાગ પાસવાનની સાથે વધી રહેલી નીકટતા જોતા તેમના માટે પણ જગ્યા બની શકે છે.

ભાજપમાં આ રાજ્યોના નેતાઓની જવાબદારી બદલાવવાની શક્યતા

સૂત્રોના જણાવ્યાં મુજબ ભાવી રણનીતિ હેઠળ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા,ગુજરાતમાંથી વિજય રૂપાણી ઉપરાંત છત્તીસગઢથી રમણ સિંહ,રાજસ્થાનથી વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્રીય રાજનીતિમાં આવી શકે છે.તેમાં યેદિયુરપ્પાને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવેલા છે જ્યારે કેટલાક કેન્દ્રીય પદાધિકારી છે.આ ઉપરાંત કેટલાક નેતાઓને કેન્દ્રીય રાજકારણમાંથી રાજ્યોમાં મોકલવામાં આવી શકે છે.ઓડિશામાં ભાજપ સત્તા માટે પોતાના વિકલ્પને મજબૂત કરી રહ્યો છે.ત્યાં સ્થિતિ બનાવવા માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન,રાજસ્થાનમાં ગજેન્દ્ર સિંહ શેખાવત,મધ્ય પ્રદેશમાં નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહ્લાદ પટેલને મોકલવામાં આવી શકે છે.

ગુજરાત ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત બાદ પાર્ટી CR પાટીલને પ્રમોટ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.સંગઠનમાં કે સરકારમાં લેવામાં આવશે.જો C. R. પાટીલ મંત્રી બને છે તો નિશ્ચિતપણે તેમને જ્યાં ચૂંટણી થવાની છે તે રાજ્યોનો હવાલો મળી શકે છે.જો આ શક્ય ન બને તો તેમને સંગઠનમાં મોટું કામ સોંપવામાં આવશે.જો પાટીલ ગુજરાત છોડી દેશે તો ગુજરાતમાં તેમનું સ્થાન કોણ લેશે? આ એવા પ્રશ્નો છે જેની ગુજરાતના રાજકારણમાં ઘણી ચર્ચા થઈ રહી છે,પરંતુ કોઈ ખુલીને બોલી રહ્યું નથી.તમામની નજર હવે દિલ્હીમાં 16-17 જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પર છે.

કહેવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પછી કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલ થઈ શકે છે.ગુજરાતમાં મંત્રીઓની સંખ્યામાં ફેરફારની શક્યતા છે. CR પાટીલની પણ કેન્દ્રીય મંત્રી બનવાની અટકળો ચાલી રહી છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં BJPના આઠ નેતાઓ પ્રદેશ પ્રમુખ બન્યા છે,જ્યારે છ નેતાઓને CM બનવાની તક મળી છે.પાર્ટીમાં એવી ચર્ચા છે કે જો CR પાટીલ મંત્રી અથવા રાષ્ટ્રીય મહાસચિવ બને છે,તો પાર્ટી રાજ્યના ક્ષત્રિય, OBC વર્ગમાંથી કોઈને પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે.જેમાં પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે.એવી પણ ચર્ચા છે કે, જો પ્રદીપસિંહ જાડેજાને કમાન સોંપવામાં નહીં આવે તો કોઈપણ OBC નેતાને સંગઠનની બાગડોર સોંપવામાં આવી શકે છે.CR પાટીલ 20 જુલાઈ, 2020 ના રોજ ગુજરાત એકમના વડા બન્યા.ત્યારે તેમણે જીતુ વાઘાણીની જગ્યા લીધી હતી.

ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર આઠ લોકોએ પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી છે.જેમાં CR પાટીલની સાથે A.K. પટેલ,કાશીરામ રાણા,વજુભાઈ વાળા,રાજેન્દ્રસિંહ રાણા,પરસોત્તમ રૂપાલા,RC ફાલ્દુ,વિજય રૂપાણી,જીતુ વાઘાણીના નામનો સમાવેશ થાય છે.આમાં સૌથી લાંબુ કામ રાજેન્દ્રસિંહ રાણાનું હતું.રાણા 7 વર્ષ સુધી પ્રદેશ BJPના પ્રમુખ હતા.તો, વિજય રૂપાણીએ ઓછામાં ઓછા સમય માટે રાજ્ય સંગઠનની કમાન સંભાળી હતી.વિજય રૂપાણી માત્ર 173 દિવસ સંસ્થાના વડા રહ્યા.જ્યારથી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPએ રેકોર્ડબ્રેક જીત મેળવી છે ત્યારથી CR પાટીલના પ્રમોશનની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત BJPમાં વિજય રૂપાણી એકમાત્ર એવા નેતા છે જે પહેલા પ્રદેશ અધ્યક્ષ અને પછી CM બન્યા.તેમને બે વખત CM બનવાની તક મળી.ગુજરાતમાં અત્યાર સુધીના BJPના તમામ પ્રદેશ પ્રમુખો પૈકી એકપણને CM બનવાની તક મળી નથી.

Share Now