બ્રાઝિલના પૂર્વ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડિનિઓની પૈરાગ્વેમાં ધરપકડ

381

નકલી પાસપોર્ટ રાખવા સામે ફૂટબોલર અને તેના ભાઇની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી

એજન્સી, અસુનસિયાન:

બ્રાઝિલના પૂર્વ સ્ટાર ફૂટબોલર રોનાલ્ડિનિયો અને તેમના ભાઇની પૈરાગ્વેમાં નકલી પાસપોર્ટ રાખવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. બુધવારે તેઓને અસુનસિયાનની એક હોટલમાંથી પકડી લેવામાં આવ્યા હતા. તેઓ અહી એક બુક લોન્ચના કાર્યક્રમમાં સામેલ થવાના ઉદેશથી આવ્યા હતા.

આ સંદર્ભે પૈરાગ્વે સરકારે ટ્વીટ કરી હતી કે, એટર્ની જનરલના કાર્યાલય તરફથી રોનાલ્ડિનિયો અને એમના ભાઇ રોબર્ટો જિ અસિસ મરિરો વિરુદ્ધ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યો છે. એમની પર સાર્વજનિક દસ્તાવેજોમાં ખોટા માહિતી આપવાના આરોપ છે.

આ પહેલા અસુનસિયાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તપાસ દરમિયાન અધિકારીઓએ રોનાલ્ડિનિયો અને એમના ભાઇનો પાસપોર્ટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જે પછી કાર્યવાહી કરતા બુધવારે તેઓને હોટલમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ગુરુવારે તેમને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પૂછપરછમાં ખુલાસો થતા સ્થાનિક પોલીસે એમના એક અન્ય સાથીને પણ ઝડપી લીધો હતો.

ફૂટબોલર રોનાલ્ડિનિયો 2004 અને 2005માં પ્લેયર ઓફ ધ ઇયર તરીકે સન્માન મેળવી ચૂક્યા છે. તેઓ સ્પેનિશ ક્લબ બાર્સેલોના માટે પણ રમી ચૂક્યા છે અને 2002માં ફીફા વર્લ્ડ કપ જીતનાર બ્રાઝિલ ટીમમાં સામેલ હતા. રોનાલ્ડિનિયો 1999થી 2013 સુધી બ્રાઝિલ માટે 97 મેચ રમી ચૂક્યા છે જેમાં કુલ 33 ગોલ કર્યા હતા. પોતાની કારકિર્દીમાં રોનાલ્ડિનિયો બે ફીફા વર્લ્ડ કપ રમ્યા છે.

Share Now