-આ લોકોનો ખાતમો નહીં થાય ત્યાં સુધી ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર નહીં થાય
-કોઇ કેસ મરજી મુજબ ના ચાલે તો ખંડણી આપીને કેસ અટકાવે છે: પૂર્વ ચીફ જસ્ટિસ
એજન્સી, નવી દિલ્હી:
કોંગ્રેસ સહિત વિપક્ષ દળોના વિરોધ વચ્ચે રાજ્યસભાના સભ્યપદે શપથ ગ્રહણ કર્યા બાદ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ભારતીય ન્યાયતંત્ર અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. પૂર્વ ચીફ જસ્ટિસે જણાવ્યું કે અડધો ડઝન જેટલા લોકો એવા છે જે જજોને ખંડણી ચૂકવતા આવ્યા છે. આ ગેંગ એક લોબીની જેમ કામ કરીને ન્યાયતંત્રને નબળુ કરી રહી છે. આથી, તેનો ખાતમો કર્યા સિવાય ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર નહીં થાય.
જોકે પૂર્વ ચીફ જસ્ટિસે જાણકારી ન આપી કે તેઓ કઇ લોબીની વાત કરી રહ્યા છે, જે ન્યાયતંત્રમાં ખંડણી આપી રહ્યા છે? ગોગોઇએ આગળ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો અર્થ છે કે આ પ્રકારની લોબીની પકડને તોડી પાડવી. જ્યાં સુધી આવી લોબીનો ખાતમો નહીં થાય ત્યાં સુધી ન્યાયતંત્ર સ્વતંત્ર નહીં બને. જો કોઇ કેસ એમની મરજી પ્રમાણે નથી ચાલતો તો ખંડણી આપીને કેસ રોકી લે છે. તેઓ સંભવ તમામ રસ્તાઓ અપનાવી જજોની કાર્યવાહીને નડતરરુપ થવાના પ્રયત્ન કરતા રહે છે.
ગોગોઇ મુજબ જજો માટે તેમના મનમાં એક પ્રકારનો ડર છે. જજ આવું નથી ઇચ્છતા અને શાંતિથી નિવૃત થવા માંગે છે.
નોંધનીય છે કે અયોધ્યા અને રાફેલ કેસનો નિર્ણય કેન્દ્ર સરકારની પક્ષમાં ગયો હતો, જે પછી કોંગ્રેસ અને વિપક્ષ દળોએ આરોપ લગાવ્યા હતા કે “રાજ્યસભાનું સભ્યપદ” કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇને ભેટ છે. જેની પર ગોગોઇએ આકરી પ્રતિક્રિયા આપી હતી.