કોરોના વાયરસથી બચવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહ માનવી એક શખ્સને ભારે પડી. કોરોના વાયરસથી બચવાના ચક્કરમાં તેનો જીવ જતો રહ્યો. આ વ્યક્તિ અને તેના પત્નીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહ પર ચલાવાની કોશિષ કરી હતી. પરંતુ ટ્રમ્પે જે દવાનું નામ લીધું હતું તેને મળતું એક ખોટું કેમિકલ પતિ-પત્નીએ પી લીધું. તેના લીધે પતિનું મોત થયું અને પત્ની હજુ પણ હોસ્પિટલમાં મોતથી ઝઝૂમી રહી છે.
ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે એક કપલે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માછલીની ટેન્ક સાફ કરવાનું કેમિકલ પી લીધું. પતિ-પત્નીને લાગ્યું કે આ એ જ જાદુઇ દવા છે જેનો ઉલ્લેખ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો. કેમિકલ પીતા જ પતિ-પત્નીની તબિયત બગડવાનું શરૂ થઇ ગયું. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જ્યાં પતિનું મોત થયું અને પત્નીની સ્થિતિ હજુ પણ નાજુક બનેલી છે.
કોરોના વાયરસથી જાતે સારવાર કરવામાં ગયો જીવ
અમેરિકામાં એરિઝોનાની સ્વયંસેવી સંસ્થા બેનર હેલ્થ તેને એક ઉદાહકણ તરીકે રજૂ કરી અમેરિકન લોકોને એલર્ટ કરી રહ્યું છે કે કોરોના વાયરસની જાતે સારવાર કરવી જીવલેણ સાબિત થઇ શકે છે. સંસ્થા લોકોને સ્થાનિક વસ્તુથી કોરોના વાયરસની સારવાર પ્રત્યે જાગૃત કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે 60 વર્ષની ઉંમરની આસપાસના એ કપલે ક્લોરોક્વીન ફોસ્ફેટના નામનું એક કેમિકલ પી લીધું હતું. આ કેમિકલનો ઉપયોગ માછલીના ટેન્કની સફાઇમાં થયો છે. કેમિકલ એ કપલના ઘરમાં હતું. બંનેએ કેમિકલ પીધુંને 30 મિનિટની અંદર પતિ-પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં પતિનું મોત થઇ ગયું.
ટ્રમ્પે કોરોના વાયરસને લઇ શું આપી હતી સલાહ
જો કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે એન્ટી મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના વાયરસની સારવારમાં કારગર સાબિત થઇ શકે છે. આ દવાને ટ્રમ્પે ભગવાનનું વરદાન ગણાવતા કહ્યું હતું કે તેનો ઉપયોગ કોરોના વાયરસની સારવામાં કરી શકાય છે. જો કે અમેરિકન ડૉકટર ટ્રમ્પના આ નિવેદનથી ઇત્તેફાક રાખતું નથી. ડૉકટરના મતે આ દવાનો ઉપયોગ પોતાની શરૂઆતના તબક્કામાં છે અને અત્યારે કોરોના વાયરસની સારવારમાં તેના ઉપયોગને લઇ સંપૂર્ણપણે કરી શકાય નહીં.