નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં 15 ડિસેમ્બરથી ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓને પોલીસે હટાવી દીધા છે. દિલ્હી અને નોયડાને જોડનારા આ રસ્તા પર લાગેલા ટેન્ટ પણ હટાવ્યા છે. કોરોના વાયરસના જોખમ છતાં આ લોકો ધરણા પર બેઠાં હતાંં. કોરોનાના કારણે દિલ્હી સહિત આખુ ભારત લોકડાઉન છે, છતાં મંગળવારે મહિલાઓ ફરી એકત્ર થવા લાગી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓને હટાવીને ત્યાંથી ટેન્ટ પણ ઉખેડી દેવામાં આવ્યા છે. સાથે જ કેટલાકને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. શાહીન બાગમાં મહિલાઓ છેલ્લા 100 દિવસોથી ધરણા પર બેઠી હતી.
તેના પર જોઇન્ટ CP દેવેશ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ‘કોરોના વાયરસના કારણે લોકોને અપીલ કરવામાં આવી રહી હતી. લોકો પણ અમારી પાસે માંગ કરી રહ્યાં હતાંં. અમે આજે સવારે 7 વાગ્યે તેના પર કાર્યવાહીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં કેટલાક અસામાજિક તત્વો માહોલ બગાડવા માંગતા હતાં. તેઓ નહીં માન્યા તો તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતાં. લગભગ 10-12 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વિરોધ કરનારાઓ વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અમારું લક્ષ્ય વિસ્તારમાં શાંતિ બનાવી રાખવાનું છે. આ પહેલા પોલીસે 31 માર્ચ સુધી માત્ર 4 લોકોને બેસવાની પરવાનગી આપી હતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ચારથી વધારે લોકો દેખાશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.