દિલ્હીના ઉત્તર-પૂર્વ ભાગમાં ટોળા દ્વારા હિંસામાં કુલ સાતનાં મોત થયા
એજન્સી, નવી દિલ્હી
દિલ્હીમાં તોફાનો ફાટી નિકળતા કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થિતિની સમીક્ષા અને પગલાં લેવા માટે લેફ્ટનન્ટ ગર્વનર, મુખ્યમંત્રી કેજરીવાલ તેમજ રાજકીય પક્ષોના નેતાઓ સાથેની એક બેઠક બોલાવી છે. દિલ્હીમાં પ્રવર્તમાન સ્થિતિને થાળે પાડવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરી રહેલા તત્વો દ્વારા કથિત હિંસા ભડકાવવાને લીધે પૂર્વોત્તર દિલ્હીમાં તોફાનો ફાટી નિકળ્યા હતા અને એક હેડ કોન્સ્ટેબલ સહિત કુલ સાત લોકોના મોત થયા હોવાનું જણાયું છે.
અમિત શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગર્વનર અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને બેઠકમાં બોલાવ્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ અમિત શાહે દિલ્હની વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. અગાઉ સોમવારે રાત્રે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે શાહે બેઠક બોલાવી હતી.
દિલ્હીના મૌજપુર અને આસપાસના વિસ્તારોમાં ટોળા દ્વારા ઘરો અને દુકાનોમાં આગ લગાડવાનો પ્રયાસ કરાયો હતો તેમજ વાહનો અને પેટ્રોલ પંપમાં આગચંપી કરાઈ હતી. ટોળામાં રહેલા કેટલાક તત્વોએ પથ્થરમારો પણ કર્યો હતો.