કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધતુ જઇ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારનાં જણાવ્યું કે અત્યાર સુધી આખા દેશમાં 2301 કોરોના વાયરસનાં કેસ સામે આવી ચુક્યા છે, 56 લોકોનાં મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતનાં સભ્યોનાં કારણે 14 રાજ્યોમાં કોરોનાનાં 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 12 મોતમાંથી અનેક તબલીગી જમાત સાથે જોડાયેલા છે.
દિલ્હીમાં 141 કોરોનાનાં કેસમાંથી 129 તબલીગી જમાતનાં
સ્વાસ્થ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 336 નવા કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં એક કાર્યક્રમનાં કારણે કોરોનાનાં કેસ વધ્યા છે. આવી ઘટનાઓથી તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે. દિલ્હીમાં કોરોનાનાં 141 નવા કેસ સામે આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું કે આપણે સમજવું પડશે કે કોરોનાની વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. આવામાં આપણી એક ભૂલનાં કારણે આપણે વધારે પાછળ જતા રહીશું.
તબલીગી જમાતનાં 960 વિદેશીઓનાં વિઝા કેન્સલ
ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે તબલીગી જમાતનાં 960 વિદેશીઓનાં વિઝા કેન્સલ કરવામાં આવ્યા છે. તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયનાં કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઇન નંબર હતા. બે નવી હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ છે 1930 (ઑલ ઇન્ડિયા ટૉલ ફ્રી નંબર) અને 1944 (નૉર્થ-ઈસ્ટ માટે ડેડિકેટેડ) હેલ્પલાઇન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓ પર સખ્ત કાર્યવાહીનાં આદેશ
ગૃહ મંત્રાલયની અધિકારી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે, મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઇન પર હુમલાનાં મામલે સખ્ત કાર્યવાહી કરવા કહ્યું છે. આ ઉપરાંત તમામ રાજ્યો સરકારોથી કોરોનાની વિરુદ્ધ લડાઈમાં સામેલ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આઈસીએમઆરનાં અધિકારીએ જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે 182 લેબ છે, જેમાંથી 130 સરકારી છે. કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરવા માટે છેલ્લા 24 કલાકમાં 8,000 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.