સુપ્રિમ કોર્ટે દિલ્હીની હિંસા પીડીતો દ્વારા દાખલ અરજી પર આવતીકાલે સુનાવણી કરવાનો નિર્ણય લીધોઃ ભાજપના નેતાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવા સહિતની માંગણીઓ છેઃ દિલ્હીની હિંસા મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું…અમે નથી ઈચ્છતા કે લોકો મરે…અમારી પાસે આવી ઘટના રોકવાની પાવર નથીઃ કોર્ટ પણ ઈચ્છે છે કે શાંતિ જળવાઈ રહે
નવી દિલ્હી, : સુપ્રિમ કોર્ટે દિલ્હી હિંસાના પીડીતો દ્વારા દાખલ અરજી પર આવતીકાલે સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે પરંતુ સાથોસાથ એવુ પણ કહ્યુ છે કે કોર્ટની પોતાની મર્યાદાઓ છે અને કોઈપણ કોર્ટ આ પ્રકારની ઘટનાઓને રોકી ન શકે. ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેએ અરજીદારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કોલીન ગોન્સાલ્વીસને કહ્યુ હતુ કે, તમારે એ વાત સમજવાની જરૂર છે કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે અમે સમર્થ નથી. જ્યારે આ પ્રકારની ઘટનાઓ આવે છે ત્યારે આપણે પીકચરમાં આવીએ છીએ. કોલીન ગોન્સાલ્વીસએ જ્યારે એવુ કહ્યુ કે અકીલા દિલ્હીના રમખાણોને કારણે રોજ લોકોના મોત થઈ રહ્યા છે. જે બાબત પર ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે હું આ મોત પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવા નથી ઈચ્છતો. તેમણે કહ્યુ હતુ કે અદાલત આ પ્રકારની ઘટનાઓને રોકી નથી શકતી લોકોએ વાતને સમજવી જોઈએ. અમે ત્યારે કાર્યવાહી કે આદેશ પસાર કરીએ છીએ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની જાય છે. પીઠે કહ્યુ હતુ કે અદાલત ઈચ્છે છે કે શાંતિ જળવાઈ રહે. અમારી પોતાની પણ મર્યાદાઓ હોય છે અને અમે આનાથી અવગત છીએ. એવુ સમજાય છે કે જાણે કેટલીક બાબતોમાં અમે જવાબદાર છીએ. કેટલાક મીડીયા રીપોર્ટમાં એવુ કહેવાય છે પરંતુ અમને અમારી મર્યાદાઓની ખબર છે. જવાબમાં કોલીન ગોન્સાલ્વીસે કહ્યુ હતુ કે અમે અદાલતને કોઈ બાબતને જવાબદાર નથી ઠેરવતા. જો કે બાદમાં ચીફ જસ્ટીસે પીડીતોની અરજી પર બુધવારે સુનાવણી કરવાનો નિર્ણય લીધો. પીડીતો તરફથી દાખલ અરજીમાં ભારતના નેતાઓ પ્રવેશ શર્મા, અનુરાગ ઠાકોર અને કપિલ મિશ્રા વિરૂદ્ધ કેસ નોંધવા ઉપરાંત પીડીતોને વળતર આપવાની પણ માંગ છે. સાથોસાથ સેવા નિવૃત જજના વડપણ હેઠળ એસઆઈટી તપાસની પણ માંગ છે. આ સિવાય સ્થિતિમાં સુધારા લાવવા યોગ્ય આદેશ પસાર કરવાની પણ માંગણી છે. પોલીસ કર્મચારીની ભૂમિકાની તપાસ કરવાની પણ માંગણી થઈ છે. મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડે અને ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને સૂર્યકાંતની પીઠે કહ્યુ હતુ કે કોર્ટ રમખાણોને નિયંત્રીત કરવા માટે નથી કારણ કે એ કાર્યપાલિકાનું કામ છે. આ પ્રકારના પ્રેશરને સંભાળવામાં અદાલતો સક્ષમ નથી.