નવી દિલ્હી, તા.૨૯ : દેશના અનેક રાજ્યોમાં શુક્રવારે વિક્રમી ગરમી નોંધાઈ છે.ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં પારો ૪૬ ડિગ્રી સે. તેમજ ઝારખંડ, ઓડિશામાં ૪૫ ડિગ્રીને પાર રહ્યો છે.પરિણામે દેશના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ રહી છે તેમજ ભીષણ ગરમી અને લૂનો કેર યથાવત્ રહ્યો છે.આવી સ્થિતિમાં દિલ્હીમાં પણ ૪૬ ડિગ્રી સે.થી વધુ ગરમી નોંધાઈ છે.વધુમાં દિલ્હીમાં આખો એપ્રિલ મહિનો વિક્રમી ગરમી અનુભવાઈ છે.હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીમાં એપ્રિલ મહિનો ૭૨ વર્ષમાં બીજો સૌથી ગરમ મહિનો રહ્યો છે.મહારાષ્ટ્રના નાસિકમાં હીટસ્ટ્રોકના કારણે એક વૃદ્ધનું મોત થયું હતું.ઓડિશામાં પણ હીટવેવની સ્થિતિ જોવા મળી.
રાજસ્થાનમાં શુક્રવારે ૪૬.૫ ડિગ્રી સાથે ધોલપુર સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.હવામાન વિભાગે હજુ ત્રણ-ચાર દિવસ તાપમાન વધવાની અને તેને પગલે હીટવેવની આગાહી કરી છે. રાજ્યના અનેક સ્થળો પર રાત્રીનું તાપમાન ૩૦ ડિગ્રી સે.થી વધુ નોંધાયું હતું.હવામાન વિભાગ મુજબ જોધપુર અને બિકાનેરના જિલ્લાઓમાં ૧લી અને ૨જી મેના રોજ મહત્તમ તાપમાન ૪૫ અને ૪૭ ડિગ્રી રહેવાની શક્યતા છે.રાજ્ય પર વધુ એક પશ્ચિમી વિક્ષોભ રચાય તેવી શક્યતા છે, જેને પગલે રાજસ્થાનના કેટલાક ભાગમાં હળવો વરસાદ થઈ શકે છે.હવામાન વિભાગે ઉમેર્યું કે, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ૨જી અને ૪થી મે વચ્ચે હળવા વરસાદની શક્યતા છે.
દિલ્હીમાં પણ શુક્રવારે અનેક ભાગોમાં પારો ૪૬ ડિગ્રી સે. નજીક પહોંચી જતાં હીટવેવની સ્થિતિ વધુ તિવ્ર બની હતી. દિલ્હીના બેઝ સ્ટેશન પર સતત બીજા દિવસે મહત્તમ ૪૩.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ૧૨ વર્ષમાં એપ્રિલમાં નોંધાયેલું સૌથી મહત્તમ તાપમાન છે.રાષ્ટ્રીય રાજધાનીમાં ૧૮ એપ્રિલ ૨૦૧૦ના રોજ મહત્તમ ૪૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.દિલ્હીમાં સૌથી વધુ ૪૫.૬ ડિગ્રી સે. ગરમી ૨૯મી એપ્રિલ, ૧૯૪૧ના રોજ નોંધાઈ હતી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં એપ્રિલ મહિનામાં વિક્રમી ગરમી પડી છે.દિલ્હીમાં એપ્રિલ મહિનો છેલ્લા ૭૨ વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો છે.આખા એપ્રિલ મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી સે. રહ્યું છે.અગાઉ ૨૦૧૦માં શહેરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી સે. નોંધાયું હતું. હવામાન વિભાગે શનિવારે દિલ્હીના અનેક ભાગોમાં લોકોને ગંભીર હીટવેવની ચેતવણી અપાઈ છે તેમજ ‘ઓરેન્જ એલર્ટ’ પણ જાહેર કરી છે.દિલ્હીમાં વધતી ગરમી અને કોલસાની અછત વચ્ચે શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મેટ્રો ટ્રેન અને હોસ્પિટલો જેવા મહત્વના સ્થળો પર વીજપુરવઠો ખોરવાઈ જવાની ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રના નાસિકમાં હીટસ્ટ્રોકના કારણે એક વૃદ્ધનું મોત થયું હતું જ્યારે રાજ્યમાં ચંદ્રપુર જિલ્લો ૪૬.૪ ડિગ્રી સે. સાથે સૌથી ગરમ સ્થળ રહ્યો હતો. મહારાષ્ટ્રના છ શહેરોમાં ૪૫ ડિગ્રી સે.થી વધુ તાપમાન નોંધાયું હતું.ઓડિશામાં પણ અનેક સ્થળે સતત બીજા દિવસે પારો ૪૫ ડિગ્રી સે.થી ઉપર રહ્યો હતો.એટલું જ નહીં ૨૫ સ્થળો પર તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યું હતું.

