વાદળ ફાટવાની આફતમાંથી બચેલા અમરનાથનાં દર્શન કરવા ગયેલા બોરીવલીના તેજસ દેસાઈ કહે છે કે અમને આ યાત્રા આજીવન યાદ રહી જશે,અમે એવા નસીબદાર કે ગુફામાં પ્રવેશ્યા પછી ભયાનક પૂર આવ્યાં અમરનાથમાં વાદળ ફાટવાની ઘટનાએ એ બધા લોકોના જીવ તાળવે લાવી દીધા હતા જેમના સંબંધીઓ અમરનાથની યાત્રાએ ગયા હતા.આ ઘટના બાદ રવિવારે સુખરૂપ મુંબઈ પાછા ફરેલા બોરીવલીમાં રહેતા ૫૦ વર્ષના તેજસ દેસાઈએ‘મિડ-ડે’ને આપેલી ખાસ મુલાકાતમાં તેમની આપવીતી વર્ણવી છે.
અમરનાથમાં વાદળ ફાટવાની કુદરતી આફતમાંથી કેવી રીતે બચ્યા એ વિશે જણાવતાં તેજસ દેસાઈએ કહ્યું હતું કે‘પૂરની સ્થિતિ સર્જાઈ એ વખતે અમે ગુફામાં પ્રવેશી ચૂક્યા હોવાથી ઘણા નસીબદાર સાબિત થયા હતા.અન્યથા મારા અને મારા મિત્રોના શું હાલ થયા હોત એ વિચારીને જ કંપારી છૂટે છે.’
કાંદિવલીમાં આવેલા મુંબઈ ક્રિકેટ અસોસિએશન(એમસીએ)ના ૧૫ સભ્યોનું ગ્રુપ ૭ જુલાઈએ અમરનાથ જવા રવાના થયું હતું.એમાં તેજસ દેસાઈ પણ હતા.તેમણે જણાવ્યું હતું કે‘આઠમી જુલાઈએ યાત્રાની શરૂઆત કર્યા બાદ સિક્યૉરિટી ચેકઅપની વિધિ પતાવીને લગભગ પાંચથી છ કલાકમાં અમે બેઝ કૅમ્પથી ગુફા સુધી પહોંચી ગયા હતા.લગભગ ૧૫,૦૦૦ જેટલા યાત્રાળુઓ હોવાથી અમને બમણો સમય લાગ્યો હતો.
અમારા પહોંચતાં જ આરતીનો સમય થઈ ગયો હોવાથી ગેટ બંધ કરવામાં આવ્યો હતો.આરતી માટે ગેટ બંધ થયા પછી અચાનક જ વીજળીનો ગડગડાટ સંભળાયો.બહાર એ સમયે શું ચાલી રહ્યું હતું એનાથી અમે તદ્દન અજાણ હતા.ગેટ ખૂલ્યા બાદ અમે બહાર આવ્યા ત્યારે વિનાશ વેરાયેલો જોયો.પૂરના પાણીમાં મોટા-મોટા પથ્થરો,ટેન્ટ અને યાત્રાળુઓ બધું જ તણાઈ ગયું હતું.ભગવાનનો ઉપકાર કે અમે ખરા સમયે ગુફામાં પ્રવેશી ગયા હતા.’


