અંધાત્રી,બારતાંડ,હળદવા, મહુવરિયા એમ ચાર ગામોમાં એક-એક પોઝીટીવ કેસ
બારડોલી,
સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોમાં કોરોનાનો પગપસેરો થતા અને એક જ દિવસમાં અંધાત્રી,બારતાંડ,હળદવા, મહુવરિયા એમ ચાર ગામોમાં એક-એક પોઝીટીવ કેસ એમ ચાર પોઝીટીવ કેસો બહાર આવતા વહીવટીતંત્રમા દોડધામ મચી જવા પામી હતી તો સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકામાં કોરોના ના કહેર માં એક પણ પોઝીટીવ કેસ બે દિવસ પહેલા સુધી નોંધાયો નહતો ત્યારે તાલુકાના ગામમાં ગત રોજ જ કોરોનાના ચાર પોઝીટીવ કેસ બહાર આવ્યા છે.મહુવા તાલુકાના અંધાત્રી ગામના માસ્તર ફળિયામાં રહેતા સુરેશભાઈ દયાળજી ચૌધરી(52) સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ પ્રતાપ ડેરીમાં કામ કરે છે.તેમની સાથે ડેરીમાં કામ કરતા એક ઇસમને કોરોના પોઝીટીવ આવતા ડેરી બંધ કરી દેવામાં આવી હતી.આથી ગત 15મી એપ્રિલના રોજ સુરતના માગોબ ખાતે રહેતા તેમના સંબંધી વિપુલભાઈ બલ્લુભાઈ ચૌધરી અંધાત્રી ખાતે મુકવા માટે આવ્યા હતા અને આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આથી ગુણસવેલ પીએચસી ખાતે તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.જેનો આજે એટલે કે 17મી એપ્રિલના રોજ આવેલા રિપોર્ટમાં કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું અને તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તો બીજી બાજુ સાંજના સમયે અન્ય કોરોનાના ત્રણ કેસો બહાર આવ્યા છે જેમાં તાલુકાના બારતાડ મેડિયા ફળીયાની ૧૯ વર્ષીય યુવતી આશાબેન અતુલભાઈ નાયકા,જ્યારે હળદવાના ૨૨ વર્ષીય યુવાન ચેતન શંકરભાઇ રાઠોડ અને મહુવરિયા નદી ફળિયાની ૨૩ વર્ષીય યુવતી શિવાની અજિતભાઈ નો કોરોના નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તાલુકામાં કોરોના પોઝીટીવ માં પ્રથમ દિવસે જ ચાર કેસો બહાર આવતાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં થયેલ કોરોના ના પગપસેરોના પગલે લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
તેમના પરિવારને પણ કવોરોન્ટાઇન
મહુવાના અંધાત્રીના સુરેશભાઈનો રિપોર્ટ પોઝીટીવ આવતા જ તેમના પત્ની અને પુત્રને પણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.આ ઉપરાંત તેમની પરિણીત પુત્રી જે ડોલવણ તાલુકાના પાટી ગામે રહે છે તેમના પરિવારને પણ કવોરોન્ટાઇન કરવા માટે ડોલવણ મામલતદાર અને આરોગ્ય અધિકારીને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં સુરતથી અંધાત્રી મુકવા માટે આવેલ વિપુલભાઈ ચૌધરી અને તેમના પરિવારને પણ કવોરોન્ટાઇન કરવા માટે સ્થાનિક તંત્રને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
-ગામના રસ્તાઓને બન્ધ કરવામાં આવ્યા.
મહુવા તાલુકાના ચાર ગામમાં કોરોના પોઝીટીવ આવતા જ ગામના તમામ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરવામા આવી છે કે જેથી આ ગામના લોકો બહાર નહિ જઇ શકે અને બહારના લોકો માટે પ્રવેશબંધ કરી દેવામાં આવ્યો છે.
-આરોગ્ય વિભાગની ટીમ સર્વે-રિપોર્ટિંગ માં જોતરાઈ
મહુવા તાલુકાના આ ગામોના કોરોના પોઝીટીવ ના કેસ ને પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા છે.હાલ ગામમાં સર્વેની સાથે ગામની આરોગ્ય સ્થતિ ના રિપોર્ટિંગ માં લાગી ગઈ છે