મુંબઈ : મુંબઈ સબર્બન રેલવે પ્રવાસીઓને ફટાફટ ટિકીટ મળી રહે તે માટે મધ્ય અને પશ્ચિમ રેલવેએ મુંબઈ વિભાગના સ્ટેશનો પર ઓટોમેટિક ટિકીટ વેન્ડિંગ મશીન(એટીવીએમ)ની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.આ બંને લાઈનના સ્ટેશનોએ વધુ ૨૬૩ નવા એટીવીએમ બેસાડવામાં આવશે.
સેન્ટ્રલ રેલવેના સબર્બન સ્ટેશનોએ ૪૭૬ અને વેસ્ટર્ન રેલવેમાં ૩૪૩ એટીવીએમ છે.એટીવીએમ,ટિકીટ કાઉન્ટર,ટિકીટ રીઝર્વેશન કાઉન્ટર,મોબાઈલ ટિકીટિંગ વગેરેમાં એટીવીએમમાંથી કઢાતી ટિકીટોનું પ્રમાણ વધુ છે.સેન્ટ્રલ રેલવેમાં ૨૮ ટકાથી વધુ લોકો એટીવીએમ વાપરે છે તો પશ્ચિમ રેલવેમાં આ આંકડો તેથીય વધુ છે. જોકે કોરોના પ્રતિબંધો દરમ્યાન આ સુવિધા બંધ રહી હતી.પરંતુ હવે લોકલ સર્વિસ નિયમિત શરુ થતાં ટિકીટ બારીઓ પર પ્રવાસીઓની ભીડ વધવા માંડતાં ફરી એટીવીએમ વધારવાનો નિર્ણય લેવાયો છે.
પશ્ચિમ રેલવેએ આપેલ માહિતીનુસાર,અત્યારે ૩૬ સબર્બન સ્ટેશનોએ રહેલાં એટીવીએમમાંથી પ્રતિદિન ૯૯ હજારથી વધુ ટિકીટો કઢાવાય છે.ચર્ચગેટથી દહાણુ સુધી એટીવીએમ વધારવાનો પ્રસ્તાવ છે.જેમાં ૧૧૩ નવા એટીવીએમ બેસાડવાનો પ્રસ્તાવ મંજૂરી માટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરની ઓફિસમાં આવ્યો હોવાની માહિતી મળી છે.ટૂંક જ સમયમાં તે બાબતે અંતિમ નિર્ણય લઈ તબક્કાવાર રીતે એટીવીએમ બેસાડાશે.મધ્ય રેલવે લાઈન પર ૮૦ સબર્બન સ્ટેશનોએ રહેલાં એટીવીએમમાંથી દૈનિક ૪૭ હજાર જેટલી ટિકીટો કઢાવાય છે.હવે વધુ ૧૫૦ નવા એટીવીએમ બેસાડાશે.જેમાં સેન્ટ્રલ રેલવેના સીએસએમટીથી કર્જત,કસારા,હાર્બરમાં સીએસએમટીથી પનવેલ,થાણેથી પનવેલ ટ્રાન્સહાર્બર અને બેલાપુર-ઉરણ લાઈનના કેટલાંક સ્ટેશનોનો સમાવેશ છે.


